December 23, 2024

26/11 જેવા હુમલાની ધમકી આપનાર જાવેદ અંસારીને અમદાવાદ લવાયો

અમદાવાદ: દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને ધમકી ભર્યા ઈમેઇલ કરનાર આરોપીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીએ એક સાથે અનેક એજન્સીઓને મેઇલ કરીને 26/11 જેવા આતંકી હુમલો કરવાની ધમકી આપી હતી. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમે ઓરિસ્સાના બ્રજરાજ નગરમાંથી જાવેદ અન્સારી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી જાવેદ અન્સારીની કરતૂતોએ સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યારે જાવેદે દેશની વિવિધ સુરક્ષા એજન્સી NIA, CBI, અને ACBમાં મેઇલ કરીને પોતાની પાસે આતંકવાદીઓ તૈયાર છે અને 26/11 જેવો હુમલો કરવાનો છે. જો તમે રોકી શકતા હોય તો રોકી લો તેવી ધમકી આપી હતી. જે અંગે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઈમની ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ કરી તેની ઓરિસ્સાથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરેજમાં કામ કરે છે અને તેને આસપાસના લોકો હેરાન પરેશાન કરતા હોવાથી જો તે આવું કઈક કરે તો તેઓ તેનાથી ડરી જશે. તે હેતુથી આ મેઇલ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં મેઇલ કરવા માટે તેણે બનાવટી ઈ-મેઇલ આઇ ડી ઇબ્રાઈમ નામ બનાવ્યું હતું અને ફેસબુક ખોટો પ્રોફાઈલ પણ બનાવી હતી. જેમાં એડિટ કરીને કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા હતા.

આરોપી સામે ઓરિસ્સામાં પણ આ જ બાબતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ માં સાયબર ક્રાઇમે આરોપીની પૂછપરછ શરૂ કરીને તે કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલ છે કે કેમ ? હકીકતમાં આ મેઇલ કયા કારણોસર કર્યો છે, અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ વગેરે બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.