December 26, 2024

એલ્વિશ યાદવને રાહત, મારામારી મામલે ગુરૂગ્રામ કોર્ટમાંથી જામીન બાદ જેલમાંથી મુક્ત

મુંબઈ: ઘણા સમયથી મુશ્કેલીમાં ફસાયેલા યુટ્યુબર અને બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ માટે રાહતના સમાચાર છે. સાપના ઝેરની સપ્લાયના કેસમાં જામીન મળ્યા બાદ હવે એલ્વિશને સાગર ઠાકુરને માર મારવાના કેસમાં પણ જામીન મળી ગયા છે. એલ્વિશને ગુરુગ્રામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાંથી તેને જામીન મળી ગયા.

શનિવારે સવારે ગુરુગ્રામ પોલીસે મેક્સટર્ન પર હુમલાના કેસમાં સૌથી પહેલા એલ્વિશ યાદવનું નિવેદન નોંધ્યું હતું. નિવેદન લીધા બાદ પોલીસે એલ્વિશને ગુરુગ્રામ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી જામીન મળ્યા બાદ એલ્વિશ યાદવ પરિવાર સાથે ઘરે જવા રવાના થયો હતો.

આ પણ વાંચો: ‘એલ્વિશ પરથી હટાવી NDPS કલમ, પોલીસે કહ્યું- ભૂલ થઈ ગઈ’

એલ્વિશ બે અલગ-અલગ કેસમાં સંડોવાયેલો હતો
એલ્વિશ યાદવ માટે માર્ચ મહિનો ખરાબ સપના બરાબર હતો. હંમેશા પોતાની સિસ્ટમ વિશે વાત કરનાર એલ્વિશ કાયદામાં એટલો ફસાઈ ગયો કે તેની ધરપકડ કરવામાં આવી. હકીકતમાં, આ મહિને જ એલ્વિશ યાદવે ગુરુગ્રામમાં મેક્સટર્ન નામના યુટ્યુબરને ગંભીર રીતે માર માર્યો હતો. મારપીટનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. પહેલા મેક્સટર્નએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ બીજા જ દિવસે એલ્વિશ અને મેક્સટર્ન વચ્ચે સમાધાન થઈ ગયું. જોકે આ કેસ નોંધવામાં આવ્યો હતો.

એલ્વિશ મારપીટના કેસમાંથી બહાર આવે તે પહેલા જ 17 માર્ચે નોઈડા પોલીસે સાપ અને સાપના ઝેરની તસ્કરીના કેસમાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. 22 માર્ચે એલ્વિશના વકીલે જણાવ્યું કે તેને ગૌતમ બુદ્ધ નગર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જો કે, ગુરુગ્રામ કોર્ટના વોરંટને કારણે, એલ્વિશ જેલમાં રાત વિતાવી અને આજે સવારે તેને ગુરુગ્રામ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો.