December 27, 2024

ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભાવનગર: ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી શરૂ થઈ હાલ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતો જાય છે. ભાવનગરમાં પણ આજે ક્ષત્રિય સમાજ દ્વારા બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ, યુવકો એકઠા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ક્ષત્રિય મહિલાઓ દ્વારા હુંકાર કરવામાં આવ્યો કે જો રૂપાલાને રાજકોટથી હટાવવામાં નહીં આવે તો તેઓ જૌહર કરવા પણ તૈયાર છે.

આજે ભાવનગર શહેરમાં આવેલી ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ પાર્ટી આપ પાર્ટી સહિત તમામ રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ માટે જોડાયા હતાં. ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ ખાતે પહેલા ક્ષત્રિય સમાજનું એક સભાના સ્વરૂપમાં સંમેલન યોજાયું હતું જેમાં બીજેપીના સિનિયર નેતા રાજેન્દ્રસિંહજી રાણાએ પણ વક્તવ્ય આપ્યું હતું અને સાથે સાથે પરશોત્તમ રૂપાલાના નિવેદનથી પોતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું. ક્ષત્રીય સમાજના યુવાનો, મહિલાઓએ પણ પોતાનો એક સૂર સાથે મત રજૂ કર્યો હતો અને પરશોત્તમ રૂપાલાની બીજેપીના આગેવાનોને ટિકિટ રદ કરે તેવી ઉગ્ર માંગ કરી હતી.

ભાવનગર લોકસભામાં અઢી લાખથી વધારે મતદારો જ્યારે ક્ષત્રિય સમાજના છે ત્યારે ક્ષત્રિય સમાજનો પોકેટ એરીયા ગણવામાં આવે છે. ભાવનગર વિસ્તારમાં ક્યારેય લોકસભાની ચૂંટણીમાં પહેલા આ પ્રકારે આક્રમક અને આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું ભેગું થવું અને વિરોધ કરવો ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. આ સાથે જ પહેલા સંમેલન પૂર્ણ થયા બાદ ખૂબ જ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવનગરની કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિપૂર્ણ સંપૂર્ણ ડિસિપ્લીનમાં રહીને સભા અને રેલીનું આયોજન થયું હતું અને આક્રમકતા સાથે વિરોધ કર્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો દ્વારા એક જ માંગ કરાઈ હતી કે રૂપાલાને ત્યાંથી હટાવવામાં આવે અને તેની ટિકિટ રદ કરવામાં આવે, જો ટિકિટ રદ નહીં કરાય તો તેઓ જૌહર કરવા પણ તૈયાર છે આને ચીમકી માનો તો ચીમકી અને ધમકી માનો તો ધમકી. મહિલાઓએ હુંકાર કર્યો હતો કે અમે કર્યો હતો કે અમે માત્ર બોલતા નથી પરંતુ કરી દેખાડીએ છીએ.