December 23, 2024

શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને વીજકરંટ લાગતાં 2 બાળકીના મોત

શક્તિસિંહ રાજપુત,અંબાજી: દાંતા તાલુકાની શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને કરંટ લાગ્યો, 2 સગી બહેનોના મોત, પરિવારજનોનો મોટો આરોપ કે શાળાની મોટી ભૂલ છે. દાંતા તાલુકાના મોર ડુંગરા પ્રાથમિક શાળામાં બપોરે 3 સગી બહેનોને વીજકરંટ લાગતાં 2 બહેનો મોતને ભેટી હતી. મોર ડુંગરા પ્રાથમિક શાળામાં હીંચકો ખાતા મોત મળ્યું હતું. લોખંડના હીંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર જોડાયેલું હોઈ જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો હતો.સમગ્ર ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા શાળામાં અને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં એકઠા થયા હતા.

દાંતા તાલુકાના અંતરીયાળ મોર ડુંગરા પ્રાથમિક શાળા પાસે શુક્રવારે બપોરના સમયે ઘુઘરમાળ ગામના પરિવારના લોકો કોઈના મરણ પ્રસંગે સામાજિક કાર્યથી એકઠા થયા હતા. પાણી પીવાના બહાને પ્રાથમિક શાળામાં ત્રણ સગી બહેનો ગઈ હતી ત્યાં આગળ શાળાના મેદાનમાં હીંચકો લાગેલો હતો જેમાં આ બહેનો હીંચકે ઝૂલતી હતી ત્યારે જોરદાર કરંટ લાગ્યો હતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓને વીજ કરંટ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બાળકીઓ આ શાળામાં અભ્યાસ કરતી નથી પણ પાણી પીવાના બહાને જતા મોત મળ્યુ હતુ. અશ્વિનભાઈ ડાભીની ત્રણ દીકરીઓ ભોગ બની હતી, જેમાં સૌથી મોટી બહેન નમ્રતાબેન ડાભી જે જીવન મરણ વચ્ચે જ ઝોલા ખાઈ રહી છે, જેની ઉંમર 8 વર્ષ છે તેને પાલનપુરમાં ખસેડાઇ છે. જયારે બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષ, જેનુ મોત થયુ છે અને ત્રીજા નંબરની કરણીબેન ડાભી ઉંમર 4 વર્ષ, જેનું પણ મોત થયુ છે.


ત્રણે બાળકીઓ સામાજીક પ્રસંગે મોર ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી અને આટલો મોટો બનાવ બનતાં પરીવારના સભ્યો હૉસ્પિટલ દોડી આવ્યા હતા. બે બાળકીઓની લાશને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામા આવી હતી. પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બીજી બાજુ હડાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હીંચકા ઉપર બોરનું લાઈટ બોર્ડ લગાવેલું હતું જેના કારણે આ બનાવ બન્યો હતો. પરિવારના સભ્યોનો મોટો આરોપ છે કે શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકની મોટી બેદરકારી છે.