January 3, 2025

વડગામ ખાતે ક્ષત્રિય સમાજના હજારો લોકોએ કરી રેલી, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલા બફાટને લઇ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે. ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધમાં દેખાવો થઇ રહ્યાં છે. બનાસકાંઠાના વડગામ ખાતે ક્ષત્રિય સમાજના હજારો લોકો એકત્રિત થયા અને રસ્તા પર રેલી સ્વરૂપે ઉતરી વડગામ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી પરશોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરાઈ છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જાહેર સભામાં થોડા દિવસો અગાઉ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોજ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજના લોકો ગામે ગામ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.

બનાસકાંઠાના વડગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અને ક્ષત્રિય સમાજના લોકો વડગામ બ્રહ્માણી માતાના મંદિર ખાતે એકઠા થયા હતા અને બ્રહ્માણી માતાના મંદિરથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે.

જો ટૂંકા સમયમાં જ પરશોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મહત્ત્વની વાત છે કે વડગામ ખાતે યોજાયેલા ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનમાં વડગામના ગામે ગામથી ક્ષત્રિય સમાજના હજારો લોકો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યાં હતા.