December 21, 2024

સોશિયલ મીડિયામાં જાહેરાતોથી ચેતજો, નોકરી આપવાના બહાને લાગશે ચૂનો…

કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં નોકરી-ધંધામાં ખૂબજ મોટાપાયે અસર થઇ હતી. કોરોનાકાળમાં લોકડાઉનને કારણે નોકરી અને ધંધામાં ગ્રહણ લાગી ગયું હતું,  જેના કારણે અન્ય દેશોની સાથે સાથે ભારતમાં બેરોજગારીનું સ્તર વધી ગયું છે. આ બેરોજગારીને કારણે લોકો અવનવા છેતરપિંડીના રવાડે ચડી ગયા છે. હાલ લોકો છેતરપિંડીના મામલે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં ઈન્સ્ટાગ્રામ ભારતમાં છેતરપિંડીનું સૌથી મોટો અડ્ડો બની ગયું છે. આ છેતરપિંડી કરનારાઓ ઘણી કંપનીઓમાં છટણી થયેલા લોકોની લાચારીનો લાભ લઈ રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ ઈન્સ્ટાગ્રામ પર નોકરીની જાહેરાતો આપી રહ્યા છે અને આ જાહેરાતો એવી રીતે લોકો સુધી પહોંચાડે છે કે જેમાં લોકોને નોકરીમાં મહેતન ઓછી અને ફાયદો વધુ દેખાતો હોય છે. છેતરપિંડી આચરનારાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ આઇડીમાં પર્સનલ મેસેજ (ડીએમ) દ્વારા નોકરી માટે લોકોનો સંપર્ક કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ છેતરપિંડી કરનારા લોકોને નોકરી આપવા માટે એમેઝોન, ફ્લિપકાર્ટ અને નેટફ્લિક્સ જેવી મોટી મોટી બ્રાન્ડનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને આકર્ષવા મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓની જાહેરાત કરી લોકોને સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.

સાયબર ઠગ ઓનલાઇન ફોર્મ ભરવા મજબૂર કરશે
દેશમાં છેતરપિંડી આચરનારાઓ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે જેથી છેતરપિંડી કરનારાઓ પોતાની ઓળખ છૂપાવી શકે. ઇન્સ્ટાગ્રામ પર નોકરી માટેની આવી જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કામ ઓછું હશે પણ વળતર વધારે મળશે. ત્યારબાદ આ સાયબર ઠગ લોકોને એક ફોર્મ ઓનલાઈન ભરવા માટે મજબૂર કરશે જેમાં તેના બેંક એકાઉન્ટ જેવી મહત્વપૂર્ણ અને વ્યક્તિગત માહિતી પૂછવામાં આવી રહી છે અને લોકો પાસે આધાર કાર્ડ જેવી આઈડી પણ માગવામાં આવી રહી છે.

લોકોના બેંક ખાતા ખાલી કરશે
આ છેતરપિંડી કરનારાઓ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને લોકોને અલગ અલગ જગ્યાઓની વીકએન્ડ ટ્રિપની પણ લાલચ આપી રહ્યા છે. ત્યારબાદ તેઓ નોકરી માટે ટોકન મની માંગે છે. આ દરમિયાન લોકો સાથે છેતરપિંડી થાય છે. બીજી બાજુ લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નકલી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તૈયાર કરી બેંક ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે.  નિર્દોષ લોકો સમજી શકતા નથી કે તેના UPI એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે કે પછી પૈસા માટે વિનંતી આવી છે. આ છેતરપિંડી કરનારાઓ લોકોને પૈસાની વિનંતી કરે છે અને તેનો UPI પિન દાખલ કરવાનું કહે છે. નોંધનીય છે કે કોઈ પણ કંપની નોકરી આપવા માટે પૈસા માંગતી નથી.

આ પણ વાંચો : સુકેશે જેકલીન સાથેની ચેટનો ખોલ્યો કાળો ચિઠ્ઠો, અભિનેત્રીએ માગી હતી માફી

આવા ફ્રોડથી બચવા શું કરવું?
આ સાયબર ફ્રોડથી બચવા સૌથી પહલાં ઓનલાઇન પ્લેટફોર્મ પર કાળજી રાખવી ખૂબજ જરુરી છે. જો તમે પણ ઈન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ સાઈટ પર આવી કોઈ જાહેરાત જુઓ છો, તો ચોક્કસપણે તે એકાઉન્ટની ચકાસણી કરો કે તે આઇડી નકલી છે કે અસલી છે. આવા ફેક એકાઉન્ટની આઇડીની સ્પેલિંગ જો ખોટી હોય તો ફેક છે અને એકાઉન્ટમાંથી શેર કરેલ સામગ્રીની તારીખ પણ તપાસો. જેથી આ ફેક એકાઉન્ટને ઓળખવામાં તમને મદદ મળશે. જો તમને લાગે કે આ ફેક સાઇટ છે તો કોઈપણ કિંમતે કોઈને પૈસા ટ્રાન્સફર ન કરશો.