December 24, 2024

એલ્વિશ યાદવ ફરી એક વખત મુશ્કેલીમાં, હવે નોંધાયો મની લોન્ડરિંગનો કેસ

Elvish Yadav Money Laundering Case: બિગ બોસ OTT 2 ના વિજેતા અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એક વખત મુશ્કેલીમાં છે. એલ્વિશ યાદવ સામેનો એક કેસ પૂરો થતો નથી ત્યાં હવે એલ્વિશ સામે બીજો કેસ નોંધાયો છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે ED હવે એલ્વિશ યાદવ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈડી ટૂંક સમયમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવા જઈ રહી છે અને યુટ્યુબરની માલિકીની મોંઘી કારોના કાફલાની પણ તપાસ થઈ શકે છે.

મની લોન્ડરિંગ કેસમાં એલ્વિશ યાદવ સામે કેસ નોંધવામાં આવ્યો
અહેવાલો અનુસાર નવેમ્બરમાં નોઈડામાં સાપના ઝેરના કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ED એલ્વિશ યાદવ અને અન્ય લોકોની પૂછપરછ કરવા જઈ રહી છે. એલ્વિશ યાદવને પૂછપરછ માટે EDની લખનૌ ઝોનલ ઓફિસમાં બોલાવવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના લખનૌ યુનિટે PMLA હેઠળ કેસની તપાસ શરૂ કરી દીધી છે. હવે ED એલ્વિશ યાદવને સાપના ઝેરના વેચાણથી મળેલા નાણાં અંગે સમન્સ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નવા કેસ પર એલ્વિશ યાદવનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

ED સાપના ઝેરમાંથી મળેલા પૈસાની તપાસ કરશે
રિપોર્ટ અનુસાર એલ્વિશ યાદવ સિવાય ED સાપના ઝેર કેસ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશ યાદવ સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જે બાદ એલ્વિશ યાદવ અને અન્યોની 17 માર્ચ 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી દેવામાં આવ્યો હતો. હાલ એલ્વિશ યાદવ જામીન પર બહાર છે.