નર્મદાવાસીઓનો તંત્ર પર આક્ષેપ – મતદાન ઓછું થવાના ડરે પરિક્રમા બંધ કરી
પ્રવિણ પટવારી, રાજપીપળાઃ ઘણી પૌરાણિક અને પ્રસિદ્ધ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને 10 દિવસ બાકી રહ્યા હતા. તેવામાં જ મુખ્ય નર્મદા પરિક્રમા બંધ કરી દેવામાં આવી છે. નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરતા પાણી છોડવાનું શરૂ કરી દેવાતાં શહેરાવનો હંગામી પુલ તૂટી ગયો છે. 7મીએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, તેવામાં જ હંગામી પુલના બહાને જૂના રૂટ પર પરિક્રમા બંધ કરી દેવામાં આવતાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
ચૂંટણીમાં વોટિંગ ઓછું થવાના ડરે પરિક્રમા અટકાવી દેવાની ચર્ચા ચાલુ હતી. તે સમયે તંત્રએ ખુલાસો કર્યો છે. મધ્યપ્રદેશમાં વીજળીની માગ વધતાં રિવરબેડ પાવરહાઉસ ચાલુ કર્યું હોવાનું રટણ કરી રહ્યું છે. ચૂંટણી અને પરિક્રમા વચ્ચે શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યાં છે. તેમને 21 કિમીની પરંપરાગત પરિક્રમાને બદલે વધુ ફેરવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ, નવા રૂટ પર વાહન વિના પરિક્રમા શક્ય નથી.
નર્મદાની પંચકોશી પરિક્રમા આદિકાળથી રામપુરાથી શહેરાવ અને તિલકવાડાથી રેંગણના 21 કિમીના પરંપરાગત રૂટ પર કરવામાં આવે છે. ચાલુ વર્ષે હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓને બોટમાં નદી નહીં પાર કરવા દેવા સરકાર કટિબદ્ધ હોવાથી મોટરમાર્ગે પરિક્રમા થઈ શકે તે માટે 78 કિમીનો નવો રૂટ તૈયાર કર્યો હતો, પણ સાધુ-સંતોના વિરોધના પગલે જૂના રૂટ પર જ પંચકોશી પરિક્રમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. 8મી એપ્રિલના રોજથી પરિક્રમા શરૂ થઈ ત્યારે નર્મદાના નીર શાંત હતા અને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ચૂક્યા છે. ત્યારે હવે આ પરિક્રમાને માત્ર 5 દિવસ બાકી છે જેને લઈ સાધુ સંતો નારાજ થયા છે.
મુખ્ય પરિક્રમા તંત્રએ બંધ કરી દીધી છે અને બાકીના દિવસોમાં પરિક્રમા મોટરમાર્ગે શરું કરવાનું કહેવામાં આવી રહ્યું છે. અલગ માર્ગથી પરિક્રમા 21 કિમીની થતી હવે એ 84 કિમીની થઈ ગઈ છે અને આ પરિક્રમામાં હવે લોકો ઓછા આવતા થયા છે. જો પગપાળા કરવા જાય તો 2 દિવસે પરિક્રમા થાય અને મોટરમાર્ગે 3 કલાકમાં થાય એટલે ફરી આ મોટરમાર્ગે શરૂ કરવાને કારણે ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો છે.