December 29, 2024

સુરતમાં આઇસ્ક્રીમના 10 નમૂના ફેઇલ, 90 કિલો જથ્થાનો નાશ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના નાગરિકોના આરોગ્યને લઈને સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યો છે. ભેળસેળયુક્ત વસ્તુનું વેચાણ કરતા દુકાનદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનોમાંથી 30-04-2024થી 02-05-2024 દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ દુકાનમાંથી આઈસ્ક્રીમના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 આઈસ્ક્રીમના નમૂના ફેલ થયું હોવાનું સામે આવતા જ આરોગ્ય ભાગે 85થી 90 કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો છે.

ફૂડ વિભાગના અધિકારી દ્વારા શહેરમાં અલગ અલગ 25 જેટલી દુકાનોમાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ આઈસ્ક્રીમના નમૂનાને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે રિપોર્ટ આવતા સામે આવ્યું છે કે, 10 નમૂના ધારાધોરણ મુજબના નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા જે જગ્યાઓના આઈસ્ક્રીમના નમૂના ફેઇલ થયા હતા તે તમામ જગ્યાઓ પરથી કુલ 85થી 90 કિલો જેટલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

શહેરના લંબે હનુમાન રોડ પર જનતાનગર પાસે આવેલી સંત કૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ નામની દુકાનમાં રહેલા આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટની માત્રા 10% હોવી જોઈએ તે ઓછી જણાઈ હતી. આ ઉપરાંત ટોટલ સોલિડની માત્રા આઈસ્ક્રીમમાં 36 ટકા હોવી જોઈએ તે પણ ઓછી હતી. તો બીજી તરફ નાના વરાછામાં આવેલી માધવ આઈસ્ક્રીમની દુકાનના આઈસ્ક્રીમમાંથી પણ મિલ્ક ફેટની માત્રા ઓછી હતી.

કતારગામમાં વેડ રોડ પર આવેલી ચંદામામા આઈસ્ક્રીમ, અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન નજીક આવેલી પ્રાઇમ નેચરલ આઈસ્ક્રીમ, અડાજણમાં આવેલી રાધે આઈસ્ક્રીમ પાર્લર, કતારગામ વેડ રોડ પર આવેલી રાધે નેચરલ આઈસ્ક્રીમ, વરીયાવ જહાંગીરપુરામાં આવેલ ઉમિયા એજન્સી, કતારગામ કાસાનગરમાં આવેલી વાડીલાલ એન્ટરપ્રાઇઝ, તેમજ પુણા સીમાડા રોડ પર આવેલી બોમ્બે સુપર આઈસ્ક્રીમ દુકાનના આઈસ્ક્રીમમાં ન તો ટોટલ સોલિડ વેસ્ટની માત્રા જણાવવામાં આવી હતી કે ન તો મિલ્ક ફેટની માત્રા જાળવવામાં આવી હતી. આ તમામ દુકાનોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા 85થી 90 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો દુકાનદારો સામે વધુ કાર્યવાહી માટે એજ્યુકેટિંગમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.