December 23, 2024

નવસારીની સહકારી મંડળીઓના બેન્ક ખાતામાંથી લાખોની ઉચાપત, બે આરોપીની ધરપકડ

જીગર નાયક, નવસારીઃ સરકારી કચેરીમાં કામના અનુભવનો ઉપયોગ કરી વલસાડ પુરવઠા વિભાગના આઉટસોર્સ કર્મચારીએ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીના આઈડી પાસવર્ડથી સરકારી સાઈટ્સ ઓપન કરી OTP વિના નવસારી જિલ્લાની સહકારી મંડળીઓના બેંક ખાતા ફેરવી 3.47 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી ગ્રામ્ય મામલતદારની ફરિયાદને આધારે પોલીસે આરોપી કોમ્પ્યુટર ઓપરેટર અને તેની સહયોગીની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ઈગલને કોઈક કારણોથી દેવું થઈ ગયું હતું, જેથી તેને રૂપિયાની જરૂર હતી. જો કે, સરકારી વિભાગમાં આઉટસોર્સથી નોકરી કરતા ઈગલ પાસે રૂપિયા આવે એવી સ્થિતિ ન હતી. નવ વર્ષોથી જિલ્લા પુરવઠા વિભાગમાં કામ કરતો હોવાથી ઇગલ વિભાગની તમામ કામગીરીથી વાકેફ હતો. આ સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાને કારણે ટેક્નિકલી પણ શાર્પ હતો.

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

આ દરમિયાન ઈગલે સસ્તા અનાજની દુકાનોને મળતા કમિશનની ફેરાફેરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો અને વલસાડને બદલે નવસારી જિલ્લા પુરવઠા વિભાગને ટાર્ગેટ બનાવ્યું હતું. ઇગલે ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત આપવા માટે પુરવઠા વિભાગની વેબસાઈટ idps.gujarat.gov.inનો નવસારી જિલ્લા પુરવઠા અધિકારીનો આઈડી પાસવર્ડ મેળવ્યો હતો. જેને સેવ કરી રાખ્યો હતો અને બાદમાં તેના થકી વેબસાઈટ ઓપન કરી otp વિના google હિસ્ટ્રીમાં જઈ સાઇટ ખોલી હતી. ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી નવસારી જિલ્લાની પાંચ સહકારી મંડળીઓના એકાઉન્ટ નંબર બદલી નાંખ્યા હતા. સહકારી મંડળીઓના બેન્ક એકાઉન્ટ બદલી ઇગલે વલસાડ પુરવઠા અધિકારીની કચેરી પાસે જ ઝેરોક્ષની દુકાનમાં કામ કરતી વલસાડના મોટા ઘાંચીવાડમાં રહેતી વેબા ફારુક ગાબાનો એસબીઆઇ બેન્ નો એકાઉન્ટ નંબર નાખ્યો હતો. જેથી ઓક્ટોબરથી માર્ચ સુધીના સહકારી મંડળીઓ દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનોનું કમિશન સીધું ઝેબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું.

આ પણ વાંચોઃ અમરેલીમાં પુત્રવધૂ-વેવાણે કરી સાસુની ક્રૂર હત્યા, કટર ગળે ફેરવી પતાવી દીધી

આ દરમિયાન નવસારીની નાગધ્રા વિવિધ સહકારી મંડળી અંતર્ગત ચાલતી સસ્તા અનાજની પાંચ શાખામાંથી એક શાખાનું કમિશન જમા નહીં થતા મંડળી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ શરૂ થઈ અને પાર વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં ખુલ્યા નવસારી ગ્રામ્ય મામલતદારની તપાસમાં જિલ્લાની પાંચ મંડળીઓનું કુલ 3.47 લાખ રૂપિયાનું કમિશન વલસાડની જેવા ગાબાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જ્યાં સુધી પહોંચેલા સરકારી અધિકારીઓએ સમગ્ર પ્રકરણના માસ્ટરમાઈન્ડ ઇગલ પટેલને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને નવસારી નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. જેમાં પોતાની કોમ્પ્યુટર માસ્ટરીનો ઉદાહરણ આપ્યું અને ડેમો થકી પુરવઠા વિભાગની વેબસાઈટ વગર ઓટીપીથી ખોલી બતાવી હતી.

આ સમગ્ર પ્રકરણમાં ઇગલ પટેલની કબુલાત બાદ નવસારી ગ્રામ્ય મામલતદાર દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ઇગલ પટેલ અને જેબા ગાબા વિરુદ્ધ 3.47 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા હરકતમાં આવેલી પોલીસે આરોપી ઇગલ પટેલને ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 14 મે સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. બીજી તરફ 10% કમિશન લઈને ઇગલ પટેલના કારસ્તાનમાં સહભાગી બનેલી જેબા ગાબાની પણ ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં ઇગલ પટેલે નવસારી જિલ્લા સિવાય વલસાડ જિલ્લામાં પણ આવી ઉચાપત કરી છે કે, કેમ એ દિશામાં નવસારી પોલીસે તપાસને વેગ આપ્યો છે.