November 5, 2024

સુત્રાપાડાની એક એવી સરકારી શાળા જ્યાં એડમિશન માટે થાય છે પડાપડી

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે.ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે.જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે. કારણ કે આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં આસપાસનાં 8 થી 10 ગામના વાલીઓ બાળકોને અભ્યાસ કરાવવા ઈચ્છે છે. અને આ શાળા માંથી દર વર્ષે 4 થી 5 વિધાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા પણ પાસ કરે છે.અહીં ઉમદા તેમજ ઉચ્ચ શિક્ષણનો પાયો તૈયાર થાય છે.

વર્તમાન યુગમાં વાલીઓ પોતાના સંતાનોને ઉમદા અને ઉત્તમ શિક્ષણ અપાવવાનો આગ્રહ રાખતા હોય છે. અને આ માટે તેઓ તનતોડ મહેનત પણ કરે છે. સારી એવી નામના ધરાવતી ખાનગી શાળામાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવવા લાખો રૂપિયા ખર્ચતા હોય છે. આની સામે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી શાળામાં પ્રવેશ અપાવવા વાલીઓએ હોડ લગાવી છે. વાસાવડની આ સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ને પ્રવેશ મેળવવા માટે રીતસરનું વેઈટિંગ લિસ્ટ બને છે. આ શાળામાં દર વર્ષ 70 જેટલા બાળકો વૈટિંગમાં હોય છે. અને અહીં ની શાળાનું શિક્ષણ ભલભલી ખ્યાતિ પ્રાપ્ત ખાનગી શાળા કરતા પણ ઉત્તમ છે. અહીંનો દરેક શિક્ષક પૂર્ણ શિક્ષિત અને બાળકોમાં ઉમદા શિક્ષણરૂપી સંસ્કાર સીંચવાની ખેવના ધરાવે છે. અભ્યાસમાં નબળા બાળકો પ્રત્યે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વાંચન, ગણન અને લેખન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. નિયમિત અને નિરંતર શિક્ષણ એ અહીંનો ઉદ્દેશ્ય છે.

આ શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની સાથે પાઠ્યપુસ્તકો તેમજ સ્વાધ્યાય પોથી પણ સરકાર તરફથી આપવામાં આવે છે. 45 વિદ્યાર્થી ઓને એક કલાસમાં સમાવી શકાય છે. અહીં પ્રજ્ઞા તેમજ સ્માર્ટ કલાસની પણ ઉપલબ્ધી છે. શિક્ષણ માટે તમામ આધુનિક સુવિધાઓ અહીં રહેલી છે. આની સામે શાળાના શિક્ષકો પણ પુરા મન સાથે વિદ્યાર્થીઓને ભણાવે છે. ત્યારે આ શાળા માંથી ભૂતકાળમાં બહાર આવેલા વિદ્યાર્થીઓ પૈકી દર બેચના 18 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં વાસાવડ ગામના દરેક ઘરમાં એક થી બે વ્યક્તિ સરકારી નોકરી કરતા હશે તેવું આ પ્રાથમિક શાળાની વર્તમાન શુક્ષણ પ્રણાલીને કારણે જણાઈ રહ્યું છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ દરજ્જાનું સ્થાન મેળવી રહ્યા છે. વાસાવડની આ શાળામાં પ્રાંચી, ઘંટીયા, ટીંબડી, આલિદ્રા, પ્રાંસલી સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે 130 જેટલા બાળકો ભણવા આવે છે. અહીં કુલ 257 બાળકો અભ્યાસ કરે છે.

ગીર સોમનાથનાં સુત્રાપાડાના વાસાવડ ની સરકારી પ્રાથમિક શાળામાં ખાનગી સ્કૂલો છોડીને પણ અભ્યાસ માટે બાળકોની લાઈનો લાગે છે. વાલીઓ આ શાળામાં પોતાના બાળકને પ્રવેશ મળે તે ગર્વની વાત અનુભવે છે. તેઓ રહેતા ગમેતે ગામમાં હોય પરંતુ પોતાનું બાળક વાસાવડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી ઈચ્છા મોટાભાગનાં વાલીઓ રાખે છે. અને તેનું કારણ માત્ર આર્થિક બચત જ નહીં પરંતુ અહીંનું શિક્ષણ છે. અહીં મૂલ્ય વર્ધિત શિક્ષણ આપવામાં આવે છે. વાતાવરણ પણ ખૂબ સારૂ છે. સાથે જ ક્વોલિફાઇડ સ્ટાફ દ્વારા બાળકોનું વ્યક્તિગત મોની- ટરીંગ થાય છે તો અહીં ભાર વગરનું ભણતર આપવામાં આવે છે.

સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ અહીં હળવાશ પૂર્વક કરાવવામાં આવે છે અને એટલેજ દર વર્ષે અહીંથી 4 થી 5 વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સહિતની પરીક્ષાઓમાં પણ સારા રેંક સાથે પાસ કરે છે. અંદાજે 22 સૌ હજારની વસ્તી ધરાવતા આ નાનકડા ગામનો એકપણ વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરવા જતો નથી. કે વાલીઓને પણ ખાનગી શાળાનો મોહ નથી. અહીંથી જ પાયાનું શિક્ષણ મેળવી ને વિદ્યાર્થી આગળ વધે છે. જેનો શ્રેય વાલીઓ શાળાના વાતાવરણ અને શિક્ષણ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને આપે છે.