July 1, 2024

પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલી વધી, બીજી FIR નોંધાઇ

MP Prajjwal Revanna: અનેક મહિલાઓના યૌન શોષણ અને બળાત્કારના આરોપોથી ઘેરાયેલા જનતા દળ સેક્યુલર (JD-S)ના પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. વાસ્તવમાં તેની સામે બીજી FIR નોંધવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ FIR યૌન શોષણ અને ગુનાહિત ધમકીને લઈને દાખલ કરવામાં આવી છે.

FIRમાં ત્રણ લોકોના નામ
FIRમાં કુલ ત્રણ લોકોના નામ સામેલ છે. આમાં હાસનથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પ્રીતમ ગૌડાનું નામ પણ સામેલ છે. ગૌડા પર પીડિતાના યૌન શોષણ દરમિયાન પ્રજ્જવલ દ્વારા લેવામાં આવેલી તસવીરો શેર કરવાનો આરોપ છે. આ નવી FIR સાથે પ્રજ્જવલ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ચાર કેસ નોંધાયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ‘સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા પ્રજ્જવલ વિરુદ્ધ નવો કેસ નોંધવામાં આવ્યો છે. FIRમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રીતમ ગૌડાનું નામ પણ સામેલ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 355A (જાતીય સતામણી), 354B (દૂષિત ઈરાદાથી મહિલા પર હુમલો), 354D (પીછો કરવો), 506 (ગુનાહિત ધમકી) અને 66E હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રજ્જલની 31 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર પ્રજ્જવલને પણ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. હસન લોકસભા સીટ માટે મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે પ્રજ્જવલ 27 એપ્રિલે જર્મની ગયો હતો. આ પછી, જ્યારે તે 31 મેના રોજ ભારત પાછો આવ્યો, ત્યારે SITએ તેની એરપોર્ટ પર જ ધરપકડ કરી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પ્રજ્જવલ સામે ‘બ્લુ કોર્નર’ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ જાતીય સતામણીના ત્રણ કેસ નોંધાયેલા છે. આ સિવાય તેના પર અનેક મહિલાઓ સાથે બળાત્કારનો પણ આરોપ છે. જ્યારે પૂર્વ સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા, ત્યારે JD-Sએ પણ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.