July 2, 2024

અમદાવાદ પોલીસના કૂતરાંની કરામત, ત્યજેલા બાળકની માતાને ગણતરીના કલાકોમાં શોધી

અમદાવાદઃ ગ્રામ્ય પોલીસની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. એક નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંથી એક દુપટ્ટો મળ્યો હતો. તેને આધારે ડોગ સ્ક્વોડના ચેઝર નામના કૂતરાંએ બાળકની માતાને શોધવા માટે પોલીસની મદદ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ માતાને શોધી નાંખી હતી. જ્યારે નવજાતને તાત્કાલિક ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જીવ બચાવ્યો હતો.

એક નવજાત બાળકને માતાપિતાએ ત્યજી દીધું હતું. ત્યારે ખુલ્લામાં પડેલા આ શિશુની આસપાસ કૂતરાંઓ ભસી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા રાહદારીની નજર પડતાં જ તેણે કૂતરાંઓને ભગાડ્યા હતા અને તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યું હતું.


અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઉચ્ચ સુવિધા મળી રહે તેવી હોસ્પિટલમાં નવજાતને સારવાર માટે ખસેડ્યું હતું. આ ઉપરાંત બાળકની સારસંભાળ રાખવા માટે મહિલા સ્ટાફને પણ ત્યાં રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર મામલે ગુનો દાખલ કરી ઘટનાની તપાસ હાથ ધરી હતી. ત્યારે ઘટનાસ્થળેથી એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ કપડવંજમાં કરંટ લાગતા મહિલાનું મોત, બે બાળકો નોંધારા બન્યાં

આ ઘટનાની તપાસ માટે ડોગ સ્ક્વોડને તપાસ માટે બોલાવવામાં આવી હતી અને ચેઝર નામના કૂતરાંએ શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે 500 મીટર દૂર રહેલા ઘરના પહેલા માળે લઈ ગયો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનની એક અપરિણીત મહિલાએ પરિવારને જાણ ન થાય તે માટે નવજાતને ત્યજી દીધું હતું. હાલ નવજાત બાળકની તબિયત સ્થિર છે અને તેની યોગ્ય સારસંભાળ રાખવામાં આવી રહી છે.