December 23, 2024

IND vs ZIM: ભારત માટે રમવાના ઉત્સાહમાં પાસપોર્ટ અને મોબાઈલ ભૂલ્યો રિયાન પરાગ….

IND vs ZIM: ICC T20 વર્લ્ડ કપ પૂર્ણ થતાંની સાથે જ આ ફોર્મેટમાં કેટલાંક નવા ચહેરાઓની એન્ટ્રી થઈ છે. T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા શુભમન ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ રમશે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. ત્રણેય હવે T20 ઇન્ટરનેશનલમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે.

અત્યંત યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. રિયાન પરાગ, અભિષેક શર્માની પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. રિયાન પરાગ ટીમ ઈન્ડિયા તરફથી રમવા માટે એટલો ઉત્સાહિત હતો કે તે પોતાનો પાસપોર્ટ અને મોબાઈલ ફોન ભૂલી ગયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક વિડીયો શેર કર્યો છે, જેમાં અભિષેક શર્મા અને રેયાન પરાગે ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

રિયાન પરાગે BCCI ટીવી પર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, ‘બાળપણથી ટીમ ઈન્ડિયા માટે ટૂર કરવી મારુ સપનું હતું. અમે મેચ તો રમીએ જ છીએ, પરંતુ ક્રિકેટની સાથે એવી ચીજો પણ આવે છે, ટીમની સાથે ટ્રાવેલ કરવું, ટીમ ઈન્ડિયાના કપડાં પહેરીને જવું. આ એટલું એક્સાઈટેડ હતું કે હું મારો પાસપોર્ટ અને મોબાઈલ જ ભૂલી ગયો હતો. જોકે, હું ભૂલ્યો નહોતો, બસ ઠેકાણે નહોતા મૂક્યા અને હવે બંને મારી જોડે જ છે.’

રિયાન પરાગે આગળ કહ્યું, ‘ઘણા નવા ચહેરા છે, પરંતુ મારા માટે જૂના છે, કારણ કે અમે સાથે ઘણી મેચો રમી ચૂક્યા છીએ. એક નાનકડો છોકરો નાનપણથી આ સપનું જોતો હતો, હવે તે પૂરું થયું તો હું ખુશ છું. ઝિમ્બાબ્વેનો હવે એક ખાસ રોલ રહેશે. જ્યારે પણ હું કોઈપણ મેદાન પર મારી પ્રથમ મેચ રમું છું, ત્યારે મને તે હંમેશા યાદ રહેશે. ટીમ ઈન્ડિયાએ 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે ઝિમ્બાબ્વેમાં પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે.