December 23, 2024

નવાબંદરના દરિયાખેડુઓને ફિશરીઝ અધિકારીના અભાવે હાલાકી, નિમણુંક કરવા ઉઠી માંગ

ધર્મેશ જેઠવા, ઉના: ઉનાના નવાબંદર ગામે ફિશરીઝ અધિકારીની કાયમી નિમણૂક માંગ કરવામાં આવી. ઉના તાલુકાના દરીયા કિનારે વસેલું નવાબંદર ગામ આશરે 18000 થી વધુ લોકો વસવાટ કરે છે અને 6000 થી વધુ લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ 800 થી વધુ બોટ અને પીરાણા (નાની બોટ) આ બંદર ઉપર માછીમારી કરે છે.

ઉના તાલુકાના દરીયા કિનારે વસેલું નવાબંદર ગામ આશરે 18000 થી વધુ લોકો વસવાટ કરે છે અને 6000 થી વધુ લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ 800 થી વધુ બોટ અને પીરાણા (નાની બોટ)આ બંદર ઉપર માછીમારી કરે છે. અહી 400 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ થઇ રહ્યું છે. અહી માછીમારોને દરિયામાં જવા આવવા અને બોટની નોંધણી અને તેને લગતા કામ માટે ફિશરીઝ અધિકારીની જરૂરિયાત રહે છે. પણ અહી અધિકારી ડોકિયું કરતાં નથી અને જાફરાબાદ તાલુકા કચેરીએ મળતાં હોય છે. જે નવાબંદર થી 45 કિમી દૂર થાય છે. અને ત્યાં પણ અધિકારી સમયસર ના મળતાં ધરમધકકા થતાં હોય છે. અહી ફિશરીઝ કચેરી હાલ કે કાર્યરત છે એ ફિશરીઝ ગોડાઉનમાં છે જેમાં સુવિધાને નામે કંઈ જ નથી. અહી 2 ફિશરીઝ ગાર્ડ અને એક સાગર મિત્ર મળીને હાજર હોય છે જે મનફાવે તેવા સમયે હાજર રહે છે. અહીંના માછીમારોને બોટને લગતા કામ માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

ઉના તાલુકાનું આ સૌથી મોટું બંદર છે. અહી જેટી બનતા માછીમારોની સંખ્યામાં અને બોટોમાં આવનારા સમયમાં વધારો થશે. જેથી અહી કાયમી અધિકારીની નિમણૂંક કરવામાં આવે અને તેના માટે નવી ઓફિસની બિલ્ડિંગ પણ ફાળવવામાં આવે તેવી માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે. અહી માછીમારો અભણ હોવાના લીધે ઓનલાઇન કામગીરીમાં પણ તકલીફ પડી રહી છે. માછીમારોને ફિશરીઝ ના કામને લઈને હાલ જાફરાબાદ જવામાં સમય અને પૈસાનો બગાડ થાય છે. જેથી અહી કાયમી અધિકારીની વહેલી તકે નિમણૂંક કરવામાં આવે અને તેની માટે ઓફિસ પણ બનાવવામાં આવે તો આ સમસ્યા નું સમાધાન આવે તેમ છે.