January 18, 2025

હરણી બોટકાંડ મામલે HCમાં સુનાવણી, કહ્યું – નિયમો બનાવવાના હતા, તેનું શું થયું?

અમદાવાદઃ હરણી બોટ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ, સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીને નોટિસ ઈસ્યૂ કરી છે. કોન્ટ્રાક્ટર અને સ્કૂલ જવાબદાર હોવાથી પક્ષકાર તરીકે જોડાવવા માગ કરી છે. પક્ષકાર તરીકે જોડી તેમની પાસેથી પણ વળતર વસૂલવાની માગણી કરવામાં આવી છે. એક મહિના પછી હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં સ્વીકાર્યું હતુ કે, સનરાઈસ સ્કૂલે પ્રવાસ માટે મંજૂરી લીધી નહોતી. શાળા માટે આવી પ્રવૃતિમાં પૂર્વ મંજૂરી લેવાનું ફરજિયાત હોય છે. સ્કૂલે નિયમોનું પાલન નથી કર્યું. સ્કૂલ સામે કાર્યવાહી કરી પેનલ્ટી લગાવવી જોઈએ. અમે સ્કૂલને 10 હજારની પેનલ્ટી ફટકારી છે. ત્યારે હાઇકોર્ટે કહ્યુ હતુ કે, દંડ સાથે સ્કૂલને વોર્નિંગ આપવી કે બીજી વખત આવું ન થવું જોઈએ.

તો બીજી તરફ, હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ આડેહાથ લીધી હતી. કોર્ટે સરકારને સવાલ કરતા કહ્યુ હતુ કે, ‘એમ્યુઝમેન્ટ,વોટર બોડીઝ માટે નિયમો બનાવવાના હતા તેનું શું થયું? વોટર પોલિસી માટે કોઈ વિચાર કર્યો છે? સંગમ અને તે પ્રકારની ક્રિયાઓ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. જો પાણીમાં કોઈ શંકાસ્પદ બોટ અથવા ક્રિયાઓ જણાય ત્યારે વોટર પોલિસી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નર્મદા નદીમાં જે ધાર્મિક ક્રિયાઓ થાય છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે.’

તો પક્ષકારોએ પણ જવાબ આપતા કહ્યુ હતુ કે, ‘4 જગ્યાઓ પર પાણીમાં એક્ટિવીટી ચાલી રહી છે, જ્યાં બોટિંગ સહિતની સુવિધાઓ છે. રાજ્યમાં કુલ 42 વોટર બોડી છે, જેમાં માત્ર 4 જગ્યાઓ પર રિવરરાફ્ટિંગ એક્ટિવિટી ચાલી રહી છે. ડાંગમાં એક સ્થળે એક્ટિવિટી ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી તમામ બાબતોનું ધ્યાન રાખશે. તાજેતરમાં જ પાણી સંબધિત એક્ટિવિટી માટે નિયમો જાહેર કર્યા છે.’