September 19, 2024

વિદ્યાર્થીઓનો ડિપ્લોમા તરફ ઝૂકાવ વધ્યો, 87 ટકા બેઠક ફુલ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ ઉદ્યોગોનાં રોકાણને કારણે હવે વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં જ આઇટી, કમ્પ્યુટર અને કેમિકલ એન્જિનિયરિંગની સીટ ભરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિન્યરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. ડિપ્લોમામાં 42,655 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 32,528 વિદ્યાર્થીઓને મેરીટમાં સ્થાન મળ્યું છે. સૌથી વધુ 3633 વિદ્યાર્થીઓ મિકેનિકલ એન્જિનિયરિંગના મેરીટમાં આવ્યા છે. કુલ બેઠકોમાંથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 87 ટકા બેઠક પ્રથમ રાઉન્ડમાં જ ફુલ થઈ ગઈ છે. જે સીટો ખાલી રહેશે તે માટે એડમિશન કમિટી દ્વારા બીજો રાઉન્ડ યોજવામાં આવશે.

ધોરણ 10ના પરિણામ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દરવર્ષે કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓનો જોગ ડિપ્લોમા એજ્યુકેશન તરફ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં જે રીતે માઇક્રોન કંપનીઓ આવી રહી છે. આ ઉપરાંત ઓટો સેક્ટર્સની પણ અનેક કંપનીઓ ગુજરાતમાં છે. ત્યારે વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય બ્રાન્ચમાં એડમિશન લઈ રહ્યા છે.

ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશની વાત કરવામા આવે તો 63,058 બેઠકો માટે 42,655 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 32,528 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યાં છે. એડમિશન કમિટી દ્વારા જે મેરીટ બહાર પાડવામા આવ્યું છે. તેમાં અન્ય રાજ્યના 382 વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કમ્પ્યુટર, આઈટી અને કેમિકલ એન્જિનિયરિંગની તમામ બેઠક ભરાઈ ગઈ છે. જ્યારે સૌથી ઓછા ઇન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગના 250 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રાઉન્ડમાં જ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 87 ટકા જેટલી બેઠક ભરાઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે, તે વિદ્યાર્થીઓએ 22 જુલાઈ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે.

ક્યા કોર્સમાં કેટલી સીટો ભરાઈ?

  • ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ – 3575
  • મિકેનિકલ એન્જિનિયરિંગ – 3633
  • કમ્પ્યુટર એન્જિનિયરિંગ – 3000
  • આઈટી એન્જિનિયરિંગ – 1838
  • કેમિકલ એન્જિનિયરિંગ – 1050
  • ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ – 573
  • ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ – 512
  • સિવિલ એન્જિનિયરિંગ – 2786
  • ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી – 623
  • ઇન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ – 250