September 20, 2024

નિવૃત્ત પોલીસ પુત્રએ કરી મિત્રની હત્યા, સસ્પેન્સ થ્રિલર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી કહાની

ડેનિશ દવે, મોરબી: મોરબી શહેરમાં હળવદના વતની એવા ટ્રાન્સપોર્ટર યુવાન લાપતા બન્યા બાદ સસ્પેન્સ થ્રિલર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં યુવાનને ગળેટૂંપો આપી તેના જ મિત્ર એવા શાતીર દિમાગ ધરાવતા અપરાધી અને 19 વર્ષની ઉંમરમાં જેતપુરના તબીબ પુત્રની હત્યા કેસના આરોપી નિવૃત્ત પોલીસ પુત્રે જ હત્યા કરી હોવાનો ધડાકો પોલીસ તપાસમાં થયો છે, હાલમાં આ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

સસ્પેન્સ ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે તેવી આ ઘટનાની વિગત જોઈએ તો હળવદના સરા રોડ ઉપર રહેતા શિક્ષક શૈલેષભાઇ રમેશભાઈ કૈલાએ પોતાના નાનાભાઈ જીતેન્દ્રભાઈ કૈલા ગત તા.25 જુનથી લાપતા હોવાનું અને આરોપી જીતેન્દ્ર આયદાનભાઈ ગજિયા રહે.વાવડી રોડ મોરબી વાળાની ઓફિસે ગયા બાદ લાપતા બન્યાનું જણાવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ સિલસીલાબંધ વિગતો આપી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જીતેન્દ્ર ગજિયા અને જીતેન્દ્ર કૈલા મિત્રો હોય અગાઉ જીતેન્દ્ર કૈલાએ મિત્રતાને દાવે જીતેન્દ્ર ગજિયાને ધિરાણ ભરવા આઠ લાખ અને ખેતીની જમીન લેવા રૂપિયા 10 લાખ ઉછીના આપ્યા હતા અને બાદમાં જીતેન્દ્ર કૈલાની પત્નીને વીડિયો કોલ કરી 10 લાખ પરત આપી દીધાનું હોવાનો ફોન કરી જાણકારી હતી.

આ પણ વાંચો: અમિપુર જૂથ અથડામણમાં ગ્રામ્ય પોલીસે કર્યો મોટો ખુલાસો, આ કારણે થયું હતું ઘર્ષણ

વધુમાં શિક્ષક શૈલેષભાઇ કૈલાએ તેમના ભાઈ ગુમ થવા મામલે અગાઉ હળવદ પોલીસ મથકમાં અરજી કરી હતી પરંતુ હળવદ પોલીસની તપાસમાં જીતેન્દ્ર કૈલા આરોપી જીતેન્દ્ર ગજિયાની વાવડી રોડની ઓફિસથી ગુમ થયાનું સામે આવતા આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ બનાવમાં નિવેદન માટે પોલીસ મથકે બોલવાવમાં આવતા જીતેન્દ્ર ગજિયાના મોબાઇલમાંથી રવાપરની જમીનનું બોગસ સોદાખાત મળી આવ્યા બાદ જીતેન્દ્ર ગજિયા પોતાનો મોબાઈલ મૂકી નાસી ગયો હતો અને છેલ્લે જીતેન્દ્ર કૈલાની હાજરી જીતેન્દ્ર ગજિયાની ઓફિસે જોવા મળી હતી અને જીતેન્દ્ર કૈલા ગાયબ થયા બાદ કોઈ અન્ય વ્યક્તિને જીતેન્દ્ર કૈલાના કપડાં તેમજ હેલ્મેટ પહેરીને જતા હોય તેવા સીસીટીવી પણ પોલીસને હાથ લાગતા પોલીસે આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયાને હસ્તગત કરી 4 દિવસના રિમાન્ડ ઉપર લેતા શાતીર દિમાગ ધરાવતા જીતેન્દ્ર ગજિયાએ શરૂઆતમાં તો પોલીસને પણ મચક આપી ન હતી.

બાદમાં તપાસનીશ પોલીસે મોરબીના વાવડી રોડથી લઈ નીચી માંડલ ગામ સુધીના અલગ-અલગ 20થી 30 જેટલા સીસીટીવી ફુટેજનું બારીકાઈથી નિરીક્ષણ કરી એલસીબી પોલીસ અને એ ડિવિઝન પોલીસે સંયુક્ત કામગીરી કરી આરોપી એવા પોલીસપુત્ર જીતેન્દ્ર આયદાન ગજિયાની મનોવૈજ્ઞાનિક ઢબે પૂછતાછ શરૂ કરતા પોલીસને ચકરાવે ચડાવવા આરોપીએ જીતેન્દ્ર કૈલાની હત્યા કરી લાશને સળગાવી નાખી હોવાની કબૂલાત આપી હતી અને બાદ સ્મશાન સુધી તપાસ કરતા પુરાવા ન મળતા ફરી આગવી ઢબે પૂછતાછ કરવામાં આવતા જીતેન્દ્ર ગજિયા પોપટ બની ગયો હતો અને જીતેન્દ્ર કૈલાની પોતાની જ ઓફિસમાં દોરીથી ગળેટૂંપો આપી હત્યા કરી બાદમાં લાશને બોક્સમાં પેક કરી માણેકવાડા નજીક એક ખેતરના શેઢે દાટી હોવાની કબૂલાત આપતા પોલીસે લાશનો કબ્જો મેળવ્યો હતો.