September 20, 2024

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓનો ખુદ ધારાસભ્યએ ભાંડો ફોડ્યો

ભાવેશ ભોજક પાટણ: પાટણના ધારપુર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ પાટણ જિલ્લા સહિત આસપાસના ગામો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાય સમયથી ધરપુર સિવિલ હોસ્પિટલને લઈને અનેક ફરિયાદો મળી રહી હતી. તેમાં પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા ભોજનને લઈને અનેક રજૂઆતો મળતા આજે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ ધારપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઉઝ મુલાકાતે આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલી અનેક ગેરરીતિઓ સામે આવી હતી.

દર્દીઓને અપાતાં ભોજનને લઈને મળી હતી અનેક ફરિયાદો
મળતી માહિતી મુજબ, પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ આજે ધારપુર સિવિલ હોસ્પિટલની ઓંચિતી મુલાકાત લીધી હતી. દર્દીઓ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને કરવામાં આવેલ અનેક રજૂઆતોને પગલે આજે ધારાસભ્ય દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઈ દર્દીઓ સાથે રૂબરૂ વાતચીત કરીને તેમની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. દર્દીઓ સાથે વાત કરતાં હોસ્પિટલની કેન્ટીન દ્વારા આપવામાં આવતા ભોજનને અનેક ફરિયાદો કરવામાં આવી હતી.

હોસ્પિટલની કેન્ટીનમાં ચાલતી હતી અનેક ગેરરીતિ
દર્દીઓની ફરિયાદને પગલે ધારાસભ્ય દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા જ્યારે હોસ્પિટલની કેન્ટીન અને રસોડામાં તપાસ કરવામાં આવતા દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તા યુક્ત ન હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓની સંખ્યા કરતા ચોપડે વધુ દર્દીઓને ભોજન આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.

પેટા કોન્ટ્રાકટર ચલાવતો હતો કેન્ટીન 
વધુમાં, દર્દીઓને આપવામાં આવતા દૂધ સહિત રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા હતા. વધુમાં, તપાસ કરતાં ખુલાસો થયો હતો કે હોસ્પિટલમાં કેન્ટીન ચલાવવા માટે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેણે કેન્ટીન બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દીધી હોવાનો પણ ખુલાસો થયો હતો. સમગ્ર ગેરરીતિઓને લઈને ધારાસભ્ય દ્વારા હોસ્પિટલ તંત્રને ત્વરિત કામગીરી કરી પગલાં લેવા અપીલ કરી હતી અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.