September 20, 2024

સોમનાથ ટ્રસ્ટનાં કર્મચારીઓનો વિરોધ, ધારાસભ્ય પણ જોડાયાં

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ શ્રાવણ માસની શરૂઆત પહેલા સોમનાથ ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની સાથે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હીરા જોટવા પણ જોડાયા હતા.

આવતી કાલથી શ્રાવણ શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં દેશ અને દુનિયાના લોકો આસ્થા સાથે પહોંચે છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓ વર્ષોથી માગને લઈને પીડાય રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કર્મચારી મંડળનું કહેવું છે કે, 2017થી 2023 વચ્ચે સેટલમેન્ટ થયું હતું અને ટ્રસ્ટના સેક્રેટરી દ્વારા તેમના પગારવધારાની માગ સંતોષાય તેવી ખાતરી આપી હતી. જો કે, હવે હાલ સેક્રેટરી દ્વારા પલટી મારી હોવાનો આરોપ લગાવાયો છે અને કર્મચારી મંડળ દ્વારા કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો હતો.

સોમનાથ ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે, ટ્રસ્ટના હાલના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ કર્મચારીઓની પીડા સમજતા નથી. એટલું જ નહીં, કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પણ સાંભળતા નથી. જો કે, સોમનાથ મંદિરના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરતા હતા. ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હિરા જોટવા પણ તાબડતોડ દોડી આવ્યા હતા. બંને નેતાઓ દ્વારા આડકતરી રીતે ટ્રસ્ટીઓ પર નિશાન તાક્યું હતું અને કહ્યું કે, સ્થાનિક લોકો જો ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોય તો કર્મચારીઓની વેદના સમજી શકે અને મંદિરનો વિકાસ પણ યોગ્ય રીતે થાય પરંતુ અહીં બહારના ટ્રસ્ટીઓ છે. તેના કારણે અહીં સમસ્યા થઈ રહી છે. કારણ કે થોડા દિવસો પહેલાં પણ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો દ્વારા યજ્ઞ શાળામાં પ્રવેશને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને હવે ટ્રસ્ટના કર્મચારીઓ માગણીઓને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.