September 19, 2024

અમદાવાદમાં લાખો રૂપિયાના ગાંજા સાથે બે મહિલાની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે. પકડાયેલી મહિલાઓ અન્ય રાજ્યમાંથી ગાંજો લાવીને અમદાવાદમાં વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે ઉર્મિલા પરમાર અને નીતા સોલંકીની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઉર્મિલા પરમાર અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે. જ્યારે નીતાબેન સોલંકી મહેસાણાના કડીની રહેવાસી છે. આ બંને મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગીતામંદિરથી જમાલપુર તરફ જતા રોડ પરથી 15.70 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી છે. પોલીસે 1.56 લાખની કિંમતનો ગાંજો, 15 હજાર રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બંને મહિલાઓ વિરૂદ્ધ NDPSનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

પકડાયેલી મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે, ઉર્મિલા પરમાર અમદાવાદમાં ગાંજાનું છૂટક વેચાણ કરે છે. તેને અવારનવાર ગાંજાની જરૂર હોવાથી તે નીતા સોલંકીને ગાંજો લેવા માટે મહારાષ્ટ્ર મોકલતી હતી અને બસ મારફતે નીતા સોલંકી મહારાષ્ટ્રમાં નંદુરબારનાં કપિલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવી અમદાવાદમાં ઉર્મિલાને આપતી હતી. બંને આરોપીઓ ઘણાં સમયથી આ કારોબાર સાથે જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. ઉર્મિલા 15થી 20 કિલો ગાંજો મંગાવતી હતી અને અમદાવાદના તેમના નક્કી કરેલા ચોક્કસ ગ્રાહકોને છૂટક વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, તેઓ અગાઉ પણ અનેકવાર મહારાષ્ટ્રથી આ રીતે ગાંજો લાવીને અમદાવાદમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ વેચાણ કરી ચૂકી છે. એવામાં આ કેસમાં મુખ્ય આરોપી મહારાષ્ટ્રનો હોવાથી તેની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. બંને મહિલાઓ ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાઈ હતી, જેમાં કોણ કોણ તેમના ગ્રાહકો હતા. તેની પોલીસએ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ દરમિયાન કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.