September 20, 2024

તિહાડ જેલના ‘નાયક’ જેલર દિપક શર્માએ ‘ખલનાયક’ બની લગાવ્યા ઠુમકા

Tihar Jail Jailer Deepak Sharma Viral Video: તિહાર જેલના જેલર દીપક શર્મા ફરી વિવાદમાં આવ્યા છે. આ વખતે વિવાદ તેમના એક ડાન્સને લઈને ઊભો થયો છે. વાસ્તવમાં, તેઓ એક પાર્ટીમાં ડાન્સ કરી રહ્યા હતા. હવે ડાન્સ સુધી બધું બરાબર હતું, પરંતુ ડાન્સ કરતી વખતે અચાનક તેઓ પોતાની પિસ્તોલ કાઢે છે અને હવામાં લહેરાવવાનું શરૂ કરે છે. આ દરમિયાન પાર્ટીમાં હાજર કોઈ શખ્સે તેમનો વીડિયો રેકોર્ડ કરી લીધો અને પિસ્તોલ લહેરાવતો દિપક શર્માનો આખો ડાન્સ કેમેરામાં કેદ થયો હતો. હવે દીપક શર્માનો આ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી પોલીસે શરૂ કરી તપાસ
હવે દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે તિહાડ જેલના જેલર દિપક શર્માના વાયરલ વીડિયોને લઈને તપાસ કરી રહ્યા છે કે તેમની પાસે જે હથિયાર છે તે લાયસન્સ વાળું છે કે લાઇસન્સ વગરનું. અને જો તે પિસ્તોલ લાયસન્સ વાળી પણ છે તો પણ તિહાર જેલ પ્રશાસનને દીપક સામે કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવી રહ્યો છે.

જેલર બન્યા ‘ખલનાયક’
વાસ્તવમાં તિહાડ જેલના જેલર દિપક શર્મા એક બર્થડે પાર્ટીમાં ગયા હતા. જ્યાં તેમણે કાયદો પોતાના હાથમાં લીધો અને હાથમાં પિસ્તોલ લઈને મિત્રો સાથે ડાન્સ કર્યો. એટલું જ નહિ, તેઓ જે ગીત પર ડાન્સ કરી રહ્યા હતા તે કોઈ સામાન્ય ગીત નહોતું. આ ગીત સંજય દત્તની બહુચર્ચિત ફિલ્મ ખલનાયકનું હતું અને ગીત હતું ‘નાયક નહીં…ખલનાયક હૈ તુ.’

તિહાડ જેલે શરૂ કરી તપાસ
વીડિયો વાયરલ થયા બાદ અને દિલ્હી પોલીસે તેની નોંધ લીધા બાદ ત્યારે હવે જાણકારી મળી રહી છે કે આ મામલે હવે તિહાડ જેલ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે દિપક શર્મા વિરુદ્ધ આ વખતે કડક પગલાં લેવાની તૈયારીઓ છે. બીજી બાજુ, દિલ્હી પોલીસે પણ આ વાયરલ વીડિયોને લઈને સંજ્ઞાન લીધું છે.

BJP કાઉન્સિલરના પતિની બર્થડે પાર્ટીમાં થઈ ગયો કાંડ
જાણવા મળી રહ્યું છે કે ગુરુવારે રાત્રે ઘોંડાથી ભાજપના કોર્પોરેશન કાઉન્સિલરના પતિની બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી જેમાં તિહાડ જેલના જેલર દિપક શર્મા પણ આવ્યા હતા. આ પાર્ટીમાં ડાન્સ કરતાં કરતાં દીપક શર્માએ પિસ્તોલ લહેરાવી હતી. આ પાર્ટીનું આયોજન સીમાપુરી પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું દિપક શર્માને પોતાની સુરક્ષા માટે સરકારી હથિયાર મળ્યું છે, જ્યારે તેઓ તો તિહાડ જેલના અધિકારી છે. બીજો સવાલ એ ઊભો થાય છે કે જો આ લાયસન્સ વાળું હથિયાર છે તો શું કોઈ અધિકારી આ રીતે તેનો દુરુપયોગ કરી શકે છે?