December 18, 2024

સોશિયલ મીડિયામાં કરેલો ‘પ્રેમ’ આખરે મણિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો

મિહિર સોની, અમદાવાદ: પ્રેમના નામે સોદો, યુવતીએ સોશિયલ મીડિયા પર પ્રેમીનો ભાંડો ફોડ્યો. મણિનગરમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ કરવો ભારે પડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પ્રેમના નામે કિંમતી ગિફ્ટ મેળવીને યુવતીને તરછોડી દેતા યુવતીએ ફરિયાદ દાખલ કરવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મણિનગર પોલીસે ભાગ્યરાજસિંહ જાડેજા નામના આરોપીની દુષ્કર્મ અને છેતરપીંડી કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું અને પૈસા તેમજ કિંમતી ગિફ્ટ પડાવી હતી. ઘટનાની વાત કરીએ તો સોસીયલ મીડિયા પર પોતાના પ્રેમીની પોલ ખોલી રહી આ યુવતીએ ન્યાય માટે મણિનગર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. મણિનગરમાં રહેતી 35 વર્ષીય યુવતી 2021માં જામનગરના ભાગ્યરાજસિંહના સંપર્કમાં આવી હતી.

આરોપીએ યુવતીને ઇન્સ્ટાગ્રામ માં મિત્રતા કરી અને પ્રેમજાળમાં ફસાવીને સંબંધ બનાવ્યો. યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને તેના ઘરે અને રાજકોટની હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બનાવ્યા હતા. 4 વર્ષના પ્રેમ સંબંધ બાદ આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી દીધી. અને મહિલા સાથે સંબંધ તોડી દીધા હતા. આ યુવતી પ્રેમી ફોન નહિ કરતા તેના ઘરે પહોંચી તો પ્રેમીની સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં પ્રેમી ભાગ્યરાજસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપીંડીનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ભાગ્યરાજસિંહ જામનગરનો રહેવાસી છે. અને અપરિણીત છે. જ્યારે યુવતી કરતા 12 વર્ષ નાનો છે. ફરિયાદી યુવતી ડિવોર્શી છે. તેના 2005માં લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ નહિ થતા 2015માં છૂટાછેડા લીધા હતા. અને પોતાના 14 વર્ષના દીકરા સાથે જિંદગી ગુજારી રહી છે. આ યુવતી અને આરોપી ભાગ્યરાજસિંહ ઇન્સ્ટગ્રામ પર 2021માં મળ્યા હતા. આરોપીએ પોતે અપરિણીત છે. અને તેની સાથે લગ્ન કરશે તેવું કહીને પ્રેમ સંબંધ બનાવ્યો હતો.

યુવતીએ પોતાના પ્રેમીને 2 આઈફોન, એક વિવોનો ફોન, એપલ વોચ, સોનાની ચેઇન, સોનાની વીંટી અને કાનની કડીયો ગિફ્ટમાં આપી હતી. આ ઉપરાંત 8 લાખની રોકડ પણ ટુકડે ટુકડે ટ્રાન્સફર કરી હતી. આરોપીએ મહિલાને પ્રેમમાં ફસાવીને રૂ 11.38 લાખ પડાવ્યા હતા. આ મહિલાએ પ્રેમીએ સગાઈ કરી લેતા તેના ઘરે પહોંચી તો પ્રેમી અને તેના પરિવારે ઝઘડો કરતા ન્યાય મેળવવા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

મણિનગર પોલીસે દુષ્કર્મ અને છેતરપીંડી કેસમાં આરોપી ભાગ્યરાજસિંહની ધરપકડ કરી. આરોપીના મોબાઈલ જપ્ત કરીને તપાસ શરૂ કરી. આરોપીએ પડાવેલા રૂપિયા અને ગિફ્ટનું શું કર્યું. આ યુવતી સિવાય અન્ય યુવતીઓ સાથે આવુ કોઈ કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.