January 15, 2025

અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ

Anantnag Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. બપોર બાદ શરૂ થયેલ આ અથડામણમાં 2 જવાન શહીદ થયા છે. જ્યારે, અન્ય 3 જવાન ઘાયલ પણ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગાઢ જંગલની અંદર આતંકીઓની શોધખોળ ચાલુ છે.

2 જવાનો શહીદ, 3 ઇજાગ્રસ્ત
જણાવી દઈએ કે શનિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં અગાઉ એક જવાનના ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા. થોડા સમય બાદ અન્ય એક જવાન ઘાયલ થયાની વાત સામે આવી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સેના દ્વારા આપવામાં આવેલા અપડેટમાં બે જવાનોના શહીદ થવાના સમાચાર મળી રહ્યા છે, સાથે જ ત્રણ જવાનોના ઘાયલ થવાની માહિતી છે.

સેનાને આતંકીઓને લઈને મળ્યા હતા ઈનપુટ
આ પહેલા સેનાએ અનંતનાગમાં એન્કાઉન્ટરને લઈને નિવેદન જાહેર કર્યું હતું. સેનાએ કહ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા અને તેમને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

સેના ચલાવી રહી છે સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે સમાચાર આવ્યા હતા કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના અહલાન ગડોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.