September 20, 2024

‘ખોટું કામ કરશો તો છોડીશ નહીં…’, બાંગ્લાદેશના નવા ચીફ જસ્ટિસે આવતાની સાથે જ આપી ચેતવણી

Bangladesh: શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા બાદ મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાનું શરૂ કર્યું છે. નવી સરકારનું કહેવું છે કે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ચાર અઠવાડિયામાં 42 પોલીસકર્મીઓ સહિત 500 થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હવે શનિવારે સૈયદ રેફાત અહેમદે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. નવા નિયુક્ત ચીફ જસ્ટિસ રેફાત અહેમદે આવતાની સાથે જ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું. તેમણે ચેતવણી આપી હતી કે જો ન્યાયતંત્રમાં કોઈ પણ ખોટા કામમાં સંડોવાયેલો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એટર્ની જનરલની ઓફિસ અને એપેલેટ ડિવિઝન ખાતે સુપ્રીમ કોર્ટ બાર દ્વારા આયોજિત રિસેપ્શનને સંબોધતા, રેફાત અહેમદે ગયા અઠવાડિયે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતનમાં પરિણમેલા વિદ્યાર્થીઓના વિરોધમાં માર્યા ગયેલા લોકોને યાદ કર્યા.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “હું વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશના લોકોને અભિનંદન આપું છું. આ ચળવળને સમર્થન આપનારાઓને પણ હું અભિનંદન આપું છું.” તેમણે કહ્યું, ”વિદ્યાર્થીઓએ અસમાનતા સામે ભારે જાગૃતિ ફેલાવી છે. વિદ્યાર્થીઓ અને જનતાની ક્રાંતિના કારણે મને આ જવાબદારી સોંપવામાં આવી છે, જે હું નિભાવીશ. આપણે વર્તમાન પરિસ્થિતિ બદલવી પડશે અને નવેસરથી શરૂઆત કરવી પડશે.”

આ પણ વાંચો: યુક્રેનના કુર્સ્ક પર કબજાથી રશિયામાં ખળભળાટ, એવા બોમ્બ ફેંક્યા કે થશે સેંકડો મોત

એક અખબારે પોતાના સમાચારમાં જણાવ્યું છે કે ચીફ જસ્ટિસે ચેતવણી આપી છે કે ન્યાયતંત્રમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “જો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા કોઈ પણ ગેરરીતિમાં સંડોવાયેલા જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે ન્યાયને બદલે દમનની લાંબા સમયથી ચાલતી નીતિ હવે સમાપ્ત થઈ ગઈ છે.”