September 20, 2024

ગણિત-વિજ્ઞાનના શિક્ષક રફુચક્કર, કોટિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગરઃ બાળકના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે, પરંતુ અભ્યાસ કરાવવા માટે જો શિક્ષક જ ન હોય તો આ દેશનું ભાવિ કેવી રીતના અભ્યાસ કરી શકશે. આવો જ એક પ્રકારનો કિસ્સો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાંથી બહાર આવ્યો છે. એક વર્ષ પહેલાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકાનો આ શાળામાં ઓર્ડર થયો હતો, પરંતુ આ શિક્ષિકા વિદેશ જતા રહ્યા છે. તેના કારણે કોટિયા ગામના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે. હાલ તો ન્યૂઝ કેપિટલ દ્વારા સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આગામી વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શિક્ષણની અસરકારકતા અને શિક્ષણની સરળતા માટે જિલ્લા ફેર અરસપરસ બદલીઓ થાય છે. પ્રાથમિક વિભાગમાં એક વર્ષ પૂર્વે અરસપરસ બદલીમાં ગાંધીનગરથી મહિલા શિક્ષિકા ભાવનગર મહુવાના કરમદીયા ગામે મુકાયા હતા. જ્યાં ઓવર સેટઅપ હોવાથી નજીકમાં આવેલી કોટીયા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી, પરંતુ આજદિન સુધી આ ગણિત-વિજ્ઞાાનના શિક્ષક ગેરહાજર રહેતા ડીપીઇઓ દ્વારા ત્રણ નોટિસ આપી હોવા છતાં જવાબ આપવામાં આવ્યો નહોતો. જેથી તેને છુટા કરવાનો તખ્તો ઘડાયો છે. જો કે, વિદ્યાર્થીનું શિક્ષણ એક વર્ષ સુધી બગડયું છે. ત્યારે આગામી દિવસોમાં નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું છે અને ગીતાબા ઝાલા નામના ગેરહાજર રહેલા મહિલા શિક્ષિકાને એક તરફી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શિક્ષકો વતનમાં કામ કરી શકે તે હેતુ સાથે અરસપરસ બદલી કેમ્પ યોજાય છે. પરંતુ શિક્ષકોની આ સુવિધાનો કેટલાક ગેરલાભ લેતા હોવાની બાબત સામે આવી છે. શિક્ષણ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, એક વર્ષ પૂર્વે ગાંધીનગરથી ગીતાબેન બબાજી ઝાલાની અરસપરસ બદલી કેમ્પ અંતર્ગત ભાવનગરના મહુવા તાલુકાના કરમદીયા ગામે મુકાયા હતાં. ત્યાંથી શિક્ષિકાને કોટીયા ગામે નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ જાણે અહીં નોકરી જ ન કરવી હોય તેમ આ શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર રહેવા પામ્યા હતાં. પોતે ગણિત-વિજ્ઞાાનના શિક્ષિકા હોવાથી કોટીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના 105 વિદ્યાર્થી વચ્ચે છના મહેકમ સામે પાંચ શિક્ષકોથી ગાડુ ગબડાવાય રહ્યું છે. વાલીઓની ફરિયાદ અને અપર પ્રાયમરીના વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય પણ લાંબા સમયથી બગડી રહ્યું છે. જે બાબત ટીપીઓ અને ડીપીઇઓને ધ્યાને આવતા વિધિવત ત્રણ નોટિસ મોકલાઈ હોવાનું જણાયું છે છતાં હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ શિક્ષિકા વિદેશ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આમ જો નોકરી જ ન કરવી હોય તો રાજીનામું આપી વિદેશ જવું જોઈએ. જો કે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ડીપીઇઓએ જણાવ્યું હતું કે, નવી ભરતી ન થાય ત્યાં સુધી નજીકની અન્ય શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકને અઠવાડીયામાં એક કે બે વાર તાસ લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જ્યારે ઉક્ત શિક્ષિકાનો પગાર ૨૬-૬-૨૩થી બંધ કરવામાં આવ્યો છે અને હવે અંતિમ નોટિસ આપી એક તરફી કાર્યવાહી કરવા તરફ કાર્યવાહી આગળ ચલાવાઈ રહી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું.