January 15, 2025

હમાસે ઈઝરાયેલ પર કર્યો હુમલો, તેલ અવીવ પર M90 રોકેટ છોડ્યા

Hamas Attacked Israel: હમાસે મંગળવારે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના સશસ્ત્ર અલ-કાસમ બ્રિગેડની માહિતી અનુસાર, ઇઝરાયેલના શહેર તેલ અવીવ અને તેના ઉપનગરો પર 2 M90 રોકેટ છોડવામાં આવ્યા. આ હુમલાને કારણે તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી મળી નથી. ઈઝરાયેલના મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટનો અવાજ ચોક્કસથી સંભળાયો હતો, પરંતુ કોઈ વ્યક્તિના મોતના સમાચાર નથી.

આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે હમાસે મંત્રણાના નવી યોજનાના બદલે સમજૂતીને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. કોઈપણ નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર વાટાઘાટો શરૂ કરવાને બદલે, ઉગ્રવાદી જૂથે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રસ્તાવને અમલમાં મૂકવા જણાવ્યું હતું જેના પર ગયા મહિને સહમતિ થઈ હતી.

નોંધનીય છે કે, ઈઝરાયેલની સેનાએ શરણાર્થી શિબિરમાં પરિવર્તિત શાળા પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 80 પેલેસ્ટાઈનના મોત થયા હતા. આ પછી, રવિવારે વહેલી સવારે દક્ષિણ ગાઝામાં વધુ વિસ્તારો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ઈઝરાયેલ દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશમાં ખાન યુનુસ શહેરના ઘણા વિસ્તારોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આમાં ઇઝરાયેલ દ્વારા માનવાધિકાર સપોર્ટ ઝોન તરીકે જાહેર કરાયેલ વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાંથી ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલે હમાસ અને અન્ય આતંકવાદીઓ પર નાગરિકોની વચ્ચે છુપાયેલા હોવાનો અને રહેણાંક વિસ્તારોમાંથી હુમલા કરવાનો આરોપ મૂક્યો છે. શનિવારે, ગાઝા શહેરની એક શાળાની અંદર એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હજારો લોકો આશ્રય આપી રહ્યા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં 80 લોકોના મોત થયા છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે. જો કે, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હુમલામાં હમાસ અને ઈસ્લામિક જેહાદના 19 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.