December 24, 2024

જુનાગઢમાં યોજાઇ તિરંગા યાત્રા, પાક નુકસાનીને લઈને કૃષિ મંત્રીએ કર્યું નિવેદન

સાગર ઠાકર, જૂનાગઢ: આજે જૂનાગઢ ખાતે જીલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી તિરંગા યાત્રા યોજાઇ હતી.

 આ તીરંગ યાત્રામાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, કમિશનર ડો. ઓમ પ્રકાશ, ડીડીઓ નિતિન સાંગવાન, એસપી હર્ષદ મહેતા સહીતના અધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહીતના પદાધિકારીઓ જોડાયા હતા.

તો સાથે સાથે, મોટી સંખ્યામાં સાધુ સંતો, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ, નિવૃત્ત આર્મીના જવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

તિરંગા યાત્રાના સમાપન બાદ કૃષિ યુનિવર્સિટી ઓડીટોરીયમ ખાતે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જતો. તો તિરંગા યાત્રા બાદ કૃષિ મંત્રીએ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં, ભારે વરસાદને કારણે થયેલી નુકસાની અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે પાક વિમા યોજના હાલ અસ્તિત્વમાં નથી.

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કુદરતી આફત આવે ત્યારે સરકાર તેનું આંકલન કરે છે અને ત્યારબાદ ખેડૂતોને સીધી સહાય ચૂકવે છે. ભારે વરસાદને લીધે થયેલા પાક નુકસાનને લઈને હાલ સર્વે ચાલુ છે, જ્યાં હજુ ખેતરોમાં પાણી ભરાયાં છે ત્યાં સર્વે બાકી છે. સર્વેનો અહેવાલ આવશે તે પ્રમાણે સરકાર ખેડૂતોને યોગ્ય સહાય કરશે.