September 19, 2024

અમદાવાદની વૈભવી શાળાઓમાં થાય છે RTE સ્ટુડન્ટ્સ સાથે ભેદભાવ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ગરીબ અને વંચિત જુથના બાળકો પણ સારામાં સારી સ્કુલોમાં અભ્યાસ કરીને પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમામ શાળાઓમાં 25 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવે છે. પરંતુ, પ્રવેશ આપ્યા બાદ પણ શાળા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતી હોવાનુ સામે આવ્યુ છે. ગોતા ખાતે આવેલી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કુલમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલગ બેસાડવામા આવતા હોવાની ફરિયાદ જીલ્લા શિક્ષણાધિકારીને કરવામા આવી છે.

બાળક જીવનમાં સમાનતા પાઠ શાળાએથી જ શિખે છે પરંતુ જ્યારે શાળા જ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે તો આવનાર પેઢી કેવી તૈયાર થાય એ આપણે સમજી શકીયે છીએ. ગોતા ખાતે આવેલી કે એન પટેલ ઇન્ટરનેશન સ્કુલમાં આરટીઇ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામા આવતો હોવાની ફરિયાદ ડીઇઓમાં કરવામા આવી છે ત્યારે ડીઇઓ દ્વારા શાળાને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામા આવ્યો છે.

ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં વાલીએ જણાવ્યુ હતુ કે RTEના વિદ્યાર્થીઓ સાથે શાળા દ્વારા જ ભેદભાવ કરવામા આવી રહ્યો છે. RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલગથી બેસાડવામા આવે છે. રેગ્યુલર ફી ભરીને આવતા વિદ્યાર્થીઓના ક્લાસમાં 25 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામા આવે છે જ્યારે RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક ક્લાસમાં 32 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત તમામ વિષય માટે એક જ દ્વારા અભ્યાસ કરાવવામા આવતો હોવાની ફરિયાદ કરવામા આવી છે.. વાલીએ એ પણ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ કોઇ તહેવારનુ સેલિબ્રેશન કરવાનુ હોય ત્યારે RTEના વિદ્યાર્થીઓને તેની જાણ મોડી કરવામા આવે છે જેથી કરીને વિદ્યાર્થી કોઇ તૈયારી ન કરી શકે અને સેલિબ્રેશનમા ભાગ ન લઇ શકે.

હાલ તો આ સમગ્ર મામલે અમદાવાદ DEOએ શાળાને નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે કે શાળામા બાળકોને કેમ અલગ બેસાડવામા આવે છે અને શાળાને વિદ્યાર્થીદીઠ 10 હજારનો દંડ કેમ કરવામા ન આવે. ઉપરાંત એજ્યુકેશન ઇન્સપેક્ટરને શાળામા મોકલીને સાતત્યાતા તપાસવા માટે મોકલીને રિપોર્ટ કરવા માટે સુચના આપવામા આવી છે.