September 20, 2024

રક્ષાબંધનના દિવસે જ બહેને ગુમાવ્યો હતો ભાઈ, આખરે ઉકેલાયો હત્યાનો કોયડો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં રક્ષા બંધનના દિવસે અમરાઈવાડીમાં યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે હત્યા કરનાર બે મિત્રોની ધરપકડ કરી લીધી છે. અગાઉના ઝઘડાની અદાવતમાં બદલો લેવા જાહેરમાં છરીના ઘા ઝીકીને આરોપીઓએ હત્યા કરી કાઢી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાગર રાઠોડ અને વિનય પરમાર છે. જેમણે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ભાવેશ સોલંકી નામના યુવકની કરપીણ હત્યા કરી. ઘટનાની વાત કરીએ તો અમરાઈવાડીમાં જોગેશ્વર રોડ પર ભાવેશ સોલંકી પોતાના ઘરેથી નીકળી રહ્યો હતો. ત્યારે આરોપી સાગર અને વિનય હત્યાનું ષડયંત્ર રચીને તેની રાહ જોઈ રહ્યા હતા. ઘટના દિવસે મૃતકે આરોપી સાગરને અગાઉના ઝઘડાને લઈને ધમકી આપી હતી. જેથી આરોપીઓએ બદલો લેવા છરી લઈને જોગેશ્વર રોડ પર પહોંચ્યા હતા. જ્યારે મૃતક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ છરીથી હુમલો કર્યો. મૃતક ભાવેશ સોલંકી જીવ બચાવવા રોડ પર દોડ લગાવી હતી. પરંતુ, જાહેર રોડ પર આરોપીઓએ છરીના ઉપરાછાપરી અસંખ્ય ઘા ઝીકીને હત્યા કરી દીધી. આ ઘટનાને લઈને અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી અમરાઈવાડી પોલીસ અને ઝોન 5 LCB એ બંન્ને આરોપીઓની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ભાવેશ જોગેશ્વર રોડ અને આરોપીઓ સાગર તેમજ વિનય આદર્શ એપાર્ટમેન્ટમાં રહે છે. 5 વર્ષ પહેલાં દશમાતાના વિસર્જનની જાગરણમાં તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી તેઓની વચ્ચે અદાવત ચાલતી હતી. 8 મહિના પહેલા મૃતક ભાવેશના મિત્ર સંજય સાથે આરોપી સાગરનો ઝઘડો થયો ત્યારે સંજય એ તલવારથી હુમલો કરતા તેનો હાથ કપાઈ ગયો હતો. ઘટના દિવસે મૃતકે સાગર ને બીજો હાથ કાપી દેવાની ધમકી આપી હતી. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. અને તેના મિત્ર વિનય પરમારને બોલાવ્યો હતો. અને મૃતકનો સબક શીખવાડવા છરીથી હુમલો કર્યો હતો. જેમાં ભાવેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. મૃતક ભાવેશ અને આરોપી સાગર તેમજ વિનયનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

અમરાઈવાડી પોલીસે હત્યા કેસમાં બંન્ને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓ છૂટક મજુરી કરતા હતા. આ આરોપીએ અગાઉ કોઈ ગુના આચાર્ય છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.