December 22, 2024

ભાજપના મંત્રી જ ફેલાવે છે અંધશ્રદ્ધા, મંત્રી ભીખુજી પરમારનું ચોંકાવનારું નિવેદન

સાબરકાંઠાઃ એકબાજુ ભાજપ સરકાર વિધાનસભામાં અંધશ્રદ્ધા ડામવા માટે બિલ પસાર કરે છે અને બીજી બાજુ તેમના જ મંત્રી જાહેર કાર્યક્રમમાં અંધશ્રદ્ધા ફેલાવતી વાતો કરી રહ્યા છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એક જાહેર કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, બ્રેઇન સ્ટ્રોકની સારવારમાં ભૂવાજીની વિધિથી સાજા થયા હતા. તલોદના રબારી સમાજના કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે. તેમણે દવા કરતાં વધારે દુવા કામ કરતી હોવાનો દાવો કર્યો છે.

સાબરકાંઠાના તલોદમાં રબારી સ્ટડી સેન્ટરમાં નવનિર્વાચિત શોભના બારૈયાનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. અન્ન પુરવઠા મંત્રી ભીખુજી પરમારે દાવો કર્યો કે, જેટલું ઝડપીથી દવાથી બ્રેઇન સ્ટ્રોક તેમને નથી મટ્યો એટલો ઝડપીથી ભુવાજીના કારણે સાજા થયા છે. મંત્રીએ કહ્યુ કે, બ્રેનસ્ટોકની સારવાર કરતા વધુ ભૂવાજીની વિધિથી ઝડપી સાજો થયો હતો.

તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટરના કાર્યક્રમમાં ભૂવાજીની વાત કરી પોતાને આવેલા બ્રેઈન સ્ટોકને લઈ ભુવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યુ હતું. ભુવાજીના કહ્યા મુજબ, તેમને રજા આપતા સારવાર કરતા તબીબોએ બ્રેઈન સ્ટ્રોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો. આમ દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનું મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન કાળા જાદુને લઈ બિલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યાં મંત્રીની વાતથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.