September 20, 2024

વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં NIAનું PAN Indiaના અનેક ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન

નવી દિલ્હી: પાકિસ્તાનની દોરવણી હેઠળના વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં મોટી કાર્યવાહી કરીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બુધવારે સમગ્ર ભારતમાં 7 રાજ્યોમાં જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI દ્વારા ક્લાસિફાઈડ ડિફેન્સ ઇન્ફોર્મેશન લીક કરવાના કેસને લઈને ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળોએ વ્યાપક સર્ચ કરવામાં આવ્યું હતું. NIAની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવેલ સ્થળો શંકાસ્પદો સાથે જોડાયેલી હતી જેમણે ભારતમાં જાસૂસી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યા હતા.

NIA દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં કુલ 22 મોબાઈલ ફોન અને અનેક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. જેમણે જુલાઈ 2023માં ઈન્સ્ટન્ટ કેસનો કબજો મેળવ્યો હતો, જે મૂળ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ, આંધ્ર પ્રદેશ દ્વારા જાન્યુઆરી 2021માં નોંધાયેલ હતો. આ કેસમાં સરહદ પારથી રચાયેલા ભારત વિરોધી કાવતરાના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી હતી.

NIAએ 19મી જુલાઈ, 2023ના રોજ ફરાર પાકિસ્તાની નાગરિક મીર બાલાજ ખાન સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે મીર બાલાજ ખાન, ધરપકડ કરાયેલા આરોપી આકાશ સોલંકી સાથે જાસૂસી રેકેટમાં સામેલ હતા.

6ઠ્ઠી નવેમ્બર 2023ના રોજ, NIAએ મનમોહન સુરેન્દ્ર પાંડા અને એલવેન તરીકે ઓળખાતા અન્ય બે આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. પાંડાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ એલવેન હાલ ફરાર છે. મે 2024માં, NIAએ પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ સાથે ષડયંત્ર રચતા એક આરોપી, અમાન સલીમ શેખ સામે તેની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં વધુ તપાસ ચાલુ છે.