December 18, 2024

સુરતમાં કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ સુરતના વ્યક્તિને ઈલેક્ટ્રીક બાઈકની ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2.97 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી કરનારા વ્યક્તિની સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડેલા આરોપીની એમઓ એવી હતી કે, તેને ફરિયાદીના દીકરાને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 2.97 કરોડ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કંપનીમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો ફરિયાદીના પુત્રને આપ્યો ન હતો. ફક્ત ડિરેક્ટર કાગળ પર જ દર્શાવ્યું હતું અને ત્યારબાદ કંપની પણ બંધ કરી દીધી હતી.

સુરતના રાજેશકુમાર દ્વારા મનીષ ચૂગ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપી મનીષ ચૂગ તેમના મકાનમાં ભાડે રહેતો હતો. ભાડુઆત અને મકાન માલિક તરીકે ફરિયાદી અને મનીષની ઓળખ હતી. આરોપી મનીષ અને તેના પિતા દિલ્હીમાં ઓપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા હતા. તેથી આરોપી દ્વારા ફરિયાદી રાજેશ કુમારને સુરતમાં ઇ-બાઈકનો પ્લાન્ટ શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને ફરિયાદીના દીકરાને આ પ્લાન્ટમાં ભાગીદાર બનાવી રોકાણ ઉપર 8% વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી.

રાજેશકુમાર મનીષની વાતમાં આવી ગયા હતા અને પુત્રને ડિરેક્ટર બનાવવા માટે મનીષે કહેવા અનુસાર 2.97 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા આરોપી મનીષ દ્વારા સુરતમાં ઇલેક્ટ્રીક બાઈકનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્લાન્ટમાં ફરિયાદીના દીકરા દીક્ષાંતને કોઈપણ પ્રકારનું પદ આપવામાં આવ્યું નહોતું. અગાઉ થયેલી ડીલ અનુસાર દીક્ષાંતને કંપનીમાં ડિરેક્ટર પદ આપવાનું હતું. પરંતુ આરોપી દ્વારા ફરિયાદીના દીકરાને કોઈપણ પ્રકારનું કંપનીમાં પદ કે હોદ્દો આપવામાં આવ્યો ન હતો.

ત્યારબાદ ફરિયાદી રાજેશકુમારને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમણે આ બાબતે મનીષ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે તપાસ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી હતી અને ઇકોસેલ દ્વારા 2.97 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવી છે.