December 18, 2024

રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘ભારત ડોજો યાત્રા’ કરશે

Bharat Dojo Yatra: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નવી યાત્રાની જાહેરાત કરી છે. આ યાત્રાને ‘ભારત ડોજો યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ડોજો શબ્દનો ઉપયોગ માર્શલ આર્ટ માટે ટ્રેનિંગ રૂમ અથવા સ્કૂલ માટે થાય છે. આ પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અને મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હતી.

રાહુલે માર્શલ આર્ટ કરતો વીડિયો શેર કર્યો હતો
ભારત ડોજો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર માહિતી શેર કરી છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની મુસાફરી કરી ત્યારે અમારી કેમ્પ સાઇટ પર અમારો નિત્યક્રમ એવો હતો કે અમે દરરોજ સાંજે જીયુ-જિત્સુની પ્રેક્ટિસ કરતા હતા. જે ફિટ રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હતી. અમે જ્યાં રોકાયા હતા તે શહેરોના સાથી પ્રવાસીઓ અને યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીઓને એકસાથે સરળ રીતે શરૂ થયું અને બહુ ઝડપથી તે કમ્યુનિટી પ્રવૃત્તિમાં ફેરવાઈ ગઇ.

રાહુલ પોતાનો અનુભવ લોકો સાથે શેર કરશે
રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર લોકો સાથે પોતાનો અનુભવ શેર કરવા માંગે છે. રાહુલે કહ્યું કે તેમને આશા છે કે તેમાંથી કેટલાક આ હળવી કળાને પ્રેક્ટિસ કરવા માટે પ્રેરિત થશે. આ પછી રાહુલે લખ્યું કે ભારત દોજો યાત્રા ટૂંક સમયમાં આવી રહી છે.