January 2, 2025

હત્યા થઈ પણ લાશ કોની? પાણીની બોટલ બની યુવકના મોતનું કારણ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના નરોડા પાટિયા નજીક થયેલ યુવકની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. સરદારનગર પોલીસે સગીર સહિત 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાણીની બોટલ ફેંકી દેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ મૃતકને નિર્વસ્ત્ર કરીને હત્યાને અંજામ આપ્યો હતો.

સરદારનગર પોલીસે કરી આરોપીઓની ધરપકડ

સરદારનગર પોલીસે હત્યાના આરોપમાં મહેન્દ્ર ઉર્ફે કાળુ પરમારની ધરપકડ કરી છે. આ આરોપીએ પોતાના સગીર મિત્રની સાથે રહીને એક યુવકની કરપીણ હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો 31 ઓગષ્ટની રાત્રે નરોડા પાટિયામાં અપનાઘર સોસાયટીમાં એક દુકાનની બહાર યુવકનું પથ્થરથી માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યા કેસમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરતા મહેન્દ્ર ઉર્ફે કાળુ અને સગીરની હત્યા કેસમાં ધરપકડ કરી હતી. આ આરોપીએ પાણીની બોટલ મૃતકે ફેંકી દેતા હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીર વયનો આરોપી હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર છે. જ્યારે, મહેન્દ્ર ઉર્ફે કાળુએ હત્યામાં મદદ કરી હતી. સગીર અને મૃતક વચ્ચે તકરાર થતા સગીર આરોપીએ મૃતકના પહેરેલા કપડા કાઢીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ આરોપીઓએ મૃતકની ઓળખ ન થઈ શકે તે માટે તેનું માથું બોથડ પદાર્થથી છૂંદી નાખ્યું હતું અને મૃતકના મૃતદેહને નગ્ન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા.

આ બંન્ને આરોપી નરોડા અને કુબેરનગરમાં નાસતા ફરતા હતા. પોલીસ તપાસમાં હત્યા દરમ્યાન પાંચ જેટલા સ્થાનિક લોકોએ આ આરોપીઓને હત્યાના સ્થળે હાજર જોયા હતા. જેથી સરદારનગર પોલીસે બંન્નેની ધરપકડ કરીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપીઓ અને મૃતક એકબીજાથી અપરિચિત હતા અને પાણીની બોટલ ફેંકી દેવા જેવી સામાન્ય બાબતને લઈને તકરાર થતાં હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો: અમરાઇવાડીમાં પોલીસ પર હુમલો કરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા 2 શખ્સોની ધરપકડ

સરદારનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની તો ધરપકડ કરી. પરંતુ, હજુ સુધી મૃતકની ઓળખ નથી થઈ શકી. અગાઉ આરોપીએ હત્યા કરેલા યુવકની જુદા જુદા 2 વ્યક્તિની ઓળખ આપી હતી. જોકે, તે લોકો જીવિત નીકળ્યા હતા. ત્યારે, વધુ એક પરિવારે મૃતક તેમનો દીકરો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે DNA ટેસ્ટ માટે FSLની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.