September 20, 2024

J&K Election: અમિત શાહે જાહેર કર્યો BJP સંકલ્પ પત્ર, કહ્યું- કલમ-370 હવે ક્યારેય પાછી નહીં આવે

J&K Election: ભારતીય જનતા પાર્ટી (BJP) એ જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાર્ટીનો સંકલ્પ પત્ર જારી કર્યો. તેમણે કહ્યું કે આઝાદીના સમયથી જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર અમારી પાર્ટી માટે મહત્વપૂર્ણ રહ્યો છે. અમે તેને કનેક્ટ રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. વધુમાં તેમણે કહ્યું, કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, તે ક્યારેય પાછી ના આવી શકે. કારણ કે આ એ વિચારધારા હતી જેણે યુવાનોના હાથમાં પથ્થર મુક્યા હતા. અમિત શાહે કહ્યું કે વાતચીત અને બોમ્બ વિસ્ફોટ એકસાથે થઈ શકે નહીં. પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર 1947થી આપણા દિલની ખૂબ નજીક છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, અને હંમેશા રહેશે. તેમણે કહ્યું કે અન્ય રાજકીય પક્ષો તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે અને અલગતાવાદ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. કલમ 370ના પડછાયા હેઠળ અલગતાવાદનો વિકાસ થયો. એક પછી એક સરકાર અલગતાવાદીઓ સામે નમતી રહી. કલમ 370 અને 35A હવે ઈતિહાસ બની ગઈ છે. જમ્મુ-કાશ્મીર હવે વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

અમિત શાહે કહ્યું કે 59 નવી કોલેજો ખોલવામાં આવી છે, જેમાંથી 30 કાશ્મીરમાં અને 29 જમ્મુમાં છે. જમ્મુ અને કાશ્મીરમાં 2 AIIMS, IIT, IIM, NIFT, યુનાની હોસ્પિટલો ખોલવામાં આવી છે. છેલ્લા 70 વર્ષમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દેશના અન્ય ભાગોમાં જવું પડતું હતું, પરંતુ હવે દેશના બાકીના ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જમ્મુ-કાશ્મીર આવી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે અમે ઓમર અબ્દુલ્લાને ગુર્જરો, બકરવાલ અને પહાડીઓનું આરક્ષણ છીનવા દઈશું નહીં. કાશ્મીર ઘાટીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, હવે પથ્થરમારો થતો નથી. અમે કાશ્મીર ખીણમાં આતંકવાદી ઇકોસિસ્ટમનો નાશ કર્યો છે.

ભાજપના સંકલ્પ પત્રના મોટા મુદ્દા
સંકલ્પ પત્ર અંગે અમિત શાહે કહ્યું કે જમ્મુમાં તાવી રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે. શ્રીનગરમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. દાલ તળાવને વૈશ્વિક સ્તરે વિકસાવવામાં આવશે. મા સન્માન યોજના આવશે. ઉજ્જવલા યોજના હેઠળ 2 સિલિન્ડર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની કોચિંગ ફી આપવામાં આવશે. કિશ્તવાડમાં આયુષ હર્બલ પાર્ક બનાવવામાં આવશે. રાજૌરીને પર્યટન સ્થળ બનાવશે. ઘરની મહિલાને 18 હજાર રૂપિયા આપવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં મેટ્રોનું કામ શરૂ થશે. ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મંદિરો ફરીથી બનાવવામાં આવશે. આઈટી હબની સ્થાપના કરવામાં આવશે. વૃદ્ધો અને વિકલાંગોના પેન્શનમાં વધારો કરવામાં આવશે. ભૂમિહીનને 5 મરલા જમીન આપવામાં આવશે.