સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ, રોગચાળા મામલે પાલિકા કમિશનરને પત્ર
સુરતઃ વરાછાના બીજેપીના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લેટર બોમ્બથી અવનવાં ધડાકા કરતા હોય છે. ત્યારે તેમનો વધુ એક લેટર બોમ્બ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શહેરમાં વકરી રહેલા રોગચાળાને મામલે તેમણે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે.
ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘સુરતમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ તંત્ર નિંદ્રાધિન અવસ્થામાં છે. તંત્ર દવા છાંટવાની કામગીરી નથી કરી રહ્યું. સુરત મહાનગરપાલિકા આવી સ્થિતિમાં AC ચેમ્બરમાં બેસીને કામગીરી કરી રહી છે.’
આ પત્રમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓ પ્રત્યે રોગચાળાને અટકાવવાની કામગીરીમાં ઉદાસીનતા દેખાડવા બદલ રોષ ઠાલવ્યો છે અને અધિકારીઓને આડેહાથ લીધા છે.