September 20, 2024

મહારાષ્ટ્રને મોદી સરકારની ભેટ: મહિલાઓ અને યુવાનો માટે યોજનાઓ, PM MITRA પાર્કનો શિલાન્યાસ કર્યો

PM Modi Maharashtra Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે. PM મોદીએ વર્ધામાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ કર્યો હતો. પીએમ મોદીએ મહિલાઓની આગેવાની હેઠળના ‘સ્ટાર્ટઅપ્સ’ને સમર્થન આપવા માટે મહારાષ્ટ્ર સરકારની પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાની શરૂઆત કરી. તેમણે અમરાવતીમાં 1,000 એકરના ‘PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ’ (PM MITRA) પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ દરમિયાન પીએમ મોદીએ વર્ધામાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાના એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. અગાઉ, પીએમ મોદીએ રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમ દરમિયાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોનનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ યોજના હેઠળ 18 વેપાર હેઠળના 18 લાભાર્થીઓને લોનનું વિતરણ કર્યું હતું.

અમરાવતીમાં ‘PM MITRA પાર્ક’નો શિલાન્યાસ કર્યો
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મિત્રા પાર્ક ભારતને વૈશ્વિક કાપડ ઉત્પાદન અને નિકાસનું હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ મળશે, જે મોટા પાયે રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ને આકર્ષિત કરશે અને આ ક્ષેત્રમાં નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.

કોલેજોમાં બનાવવામાં આવશે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો
‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ યોજના હેઠળ, રાજ્યની જાણીતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જ્યાં 15 થી 45 વર્ષની વયજૂથની વ્યક્તિઓને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. અને વિવિધ રોજગારની તકો મેળવી શકે છે. દર વર્ષે આ યોજના હેઠળ લગભગ દોઢ લાખ યુવાનોને મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની Youtube ચેનલ હેક; હેકર્સે લાઈવ કર્યો આવો વીડિયો

મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને મદદ મળશે
‘પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ’ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને જોગવાઈના કુલ 25 ટકા પછાત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ યોજના મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવામાં મદદ કરશે.