September 21, 2024

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સૂર્ય ઘડિયાળ બની આકર્ષણનું કેન્દ્ર

પાટણ: આજના યુગમાં સમય જોવા માટે અનેક સંસાધનો વિકસિત થયા છે. ખાસ કરીને ઘડિયાળ, મોબાઈલ વગેરે થકી સમય જોવો સાવ સરળ બની ગયું છે. પરંતુ, વર્ષો પહેલા સમય જોવા માટે સૂર્ય પ્રકાશ આધારિત પડછાયા મુજબ સમય નક્કી કરવામાં આવતો હતો. આ બાબત આજની પેઢીને ખબર પણ નહીં હોય. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ જે સૂર્યના પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય-ઘડિયાળ આવેલી છે. આવો જોઈએ આ કેવી રીતે કામ કરે છે અને દેશના સમય અને સ્થાનિક સમયમાં શું ફેરફાર જોવા મળે છે.

પાટણમાં 10 એકર વિસ્તારમાં ફેલાયેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ સૂર્ય-ઘડિયાળ આવેલી છે. આ સન-ડાયલથી પાટણના સ્થાનિક સમય જાણવામાં મદદ કરે છે. દેશનો નિયત સમય +5.30 નો છે, જેની સામે પાટણનો નિયત સમય +4.50 નો છે. એટલે કે, દેશના નિયત સમય કરતાં પાટણની ઘડિયાળ સરેરાશ 40 મિનિટ પાછળ ચાલી રહી છે. સૂર્ય અને પૃથ્વી ના પરિભ્રમણની સાથે જેમ ઋતુમાં ફેરફાર થાય છે. તેમ તેમ પાટણના સ્થાનિક સમયમાં પણ ફેરફાર થાય છે.

દર વર્ષે 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે પાટણનો સમય દેશના સામાન્ય સમય કરતાં 56 મિનિટ પાછળ રહે છે. જ્યારે 30 ઓક્ટોબરથી 10 નવેમ્બરની વચ્ચે 25 મિનિટ પાછળ રહે છે. આમ દેશ ના સમય કરતા વર્ષ દરમ્યાન પાટણ નો સમય 40 મિનિટ પાછળ જોવા મળે છે આ સનડાયલ સૂર્યના પ્રકાશ પર આધારીત છે અને પડછાયા પરથી સમય નક્કી થતો હોય છે. આ પ્રકાર ના સમય નો ઉપયોગ ખેડૂતો માટે પણ ખુબજ ઉપયોગી નીવડી શકે છે. ઋતુ મુજબ પાક ની વાવણી, હવામાન તેમજ પાક ની લણણી સમય પણ નક્કી કરી શકાય છે જેના થકી ખેડૂતો ને મોટો ફાયદો પણ થઇ શકે છે. સનડાયલથી જેતે વિસ્તારનો સ્થાનિક સમય જાણી શકાય છે. સ્થાનિક સમય દિવસ-રાત સાથે મહિના અને ઋતુઓને સમજવા માટે જરૂરી છે. ઐતિહાસિક રીતે, સૂર્યની સ્થિતિના આધારે સમયને ટ્રેક કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરીને સનડાયલ ખેડૂતોને મદદ કરે છે. તે દિવસભરનો સમય બતાવીને વાવેતર, સિંચાઈ અને લણણી માટે શ્રેષ્ઠ સમય નક્કી કરવામાં મદદ કરી શકે છે.

મહારાષ્ટ્રના 70 વર્ષના ખોગળશાસ્ત્રીએ આ ઘડિયાળ બનાવી છે. આ પ્રકારની સનડાયલ બનાવાની તકનીક દેશમાં બહુ ઓછા વ્યક્તિઓ જ જાણે છે. જેના માટે ખગોળશાસ્ત્રના ગણિતનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે. વર્ષ 2021 મે માસમાં મહારાષ્ટ્રના 70 વર્ષિય ડૉ. બી. આર. સીતારામ દ્વારા આ સનડાયલ બનાવવામાં આવી હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સાયન્સ સેન્ટરના પટાંગણમાં જ વર્ષો પહેલા સમય કઈ રીતે જાણી શકાતો હતો તે માટેની સૂર્ય ઘડિયાળ કાર્યરત કરવામાં આવી છે જેના થકી અહીં આવનાર દરેક લોકો આ ઘડિયાળમાં કઈ રીતે સમય જાણી શકાય તેની વિસ્તૃત જાણકારી મેળવે છે અને આનંદિત પણ થાય છે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી સન ઘડિયાળ એટલે કે સૂર્યના પ્રકાશ આધારિત સમય દર્શાવતી ઘડિયાળ અહીં આવનાર વિદ્યાર્થીઓ અને મુલાકાતઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.