December 12, 2024

દિલ્હીના રાજૌરી ગાર્ડન મેટ્રો સ્ટેશનની સામેની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ

Rajouri Garden: દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં જંગલ જાંબોરી રેસ્ટોરન્ટ (Jungle Jamboree)માં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયાનક છે કે ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનું કામ કરી રહી છે. આ રેસ્ટોરન્ટ રાજૌરી ગાર્ડન મેટ્રો સ્ટેશનની બરાબર સામે છે. આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના પહેલા માળે છે. આગ બપોરે 2:14 કલાકે લાગી હતી.

નોંધનીય છે કે, આ આગ એટલી પ્રચંડ હતી કે આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉછળવાથી સમગ્ર વિસ્તાર કાળો બની ગયો હતો. જેના કારણે આસપાસના દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે કહ્યું કે અમને બપોરે 2.01 વાગ્યે રાજૌરી ગાર્ડન મેટ્રો સ્ટેશન પાસે આગના સમાચાર મળ્યા હતા. આ પછી, આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આગના કારણે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.