January 10, 2025

Los Angelesમાં ભીષણ આગથી ભારે તબાહી, અનેક સેલિબ્રિટીના ઘર બળીને રાખ થઈ ગયા

Los Angeles Fire: અમેરિકાના લોસ એન્જલસ અને તેની આસપાસ લાગેલી ભીષણ આગમાં બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂર અને પેરિસ હિલ્ટન સહિત અનેક સેલિબ્રિટીઓના ઘર બળીને રાખ થઈ ગયા છે. કેલિફોર્નિયામાં ફાયર બ્રિગેડ ભારે પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી જંગલની આગને ઓલવવાનું કામ કરી રહ્યા છે. આગને કારણે ઘણા ઘરો નાશ પામ્યા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હજારો લોકો સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે.

આગ ક્યારે લાગી?
મંગળવારે રાત્રે આગ લાગી હતી અને હજુ સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી. પાંચ લોકોના મોત થયા છે અને 100,000 થી વધુ લોકોને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે હોલીવુડ બાઉલ નજીક અને હોલીવુડ વોક ઓફ ફેમથી થોડે દૂર આગ લાગી હતી.

ઘણા સેલિબ્રિટીના ઘરો થયા તબાહ
ભયંકર જંગલની આગને કારણે ઘણા સ્ટાર્સના ઘરો નાશ પામ્યા છે. પાસાડેના નજીકના અલ્ટાડેના વિસ્તારમાં મૂરનું ઘર આગમાં બળીને રાખ થઇ ગયું. અભિનેત્રી-ગાયિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “સાચું કહું તો, હું આઘાતમાં છું. મારા બાળકોની શાળા પણ બળીને ખાખ થઈ ગઈ. અમારા મનપસંદ રેસ્ટોરાં બળીને ખાખ થઈ ગયા. ઘણા મિત્રો અને પ્રિયજનોએ પણ બધું ગુમાવ્યું છે.