December 22, 2024

ગુજરાતના કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ સહિત કુલ છ લોકોને પદ્મ પુરસ્કારો માટે પસંદગી

ભારતના ટોચના નાગરિક સન્માનોમાં પદ્મ પુરસ્કાર આ વર્ષે 132 લોકોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવ લોકોને મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ યાદીમાં ફ્રાન્સના ચાર લોકોને પણ સ્થાન મળ્યું છે. ગુજરાતના કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ સહિત કુલ છ લોકોને પદ્મ એવોર્ડ આપવમાં આવશે. પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદીમાં ગુજરાતની છ વ્યક્તિઓના નામ સામેલ છે. પદ્મ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે જેમાં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. નોંધનીય છે કે દર વર્ષે ભારત સરકાર દ્વારા ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ પ્રખ્યાત ડૉક્ટર તેજસ પટેલને આપવામાં આવશે. ડો.તેજસ પટેલ વ્યવસાયે કાર્ડિયોલોજિસ્ટ છે. આ ઉપરાંત અન્ય પાંચ વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. ગુજરાત ઉપરાંત ફ્રાન્સના ચાર નાગરિકોને પણ પદ્મ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતની સાથે અન્ય બીજા દેશના સૌથી વધુ નાગરિકોને પદ્મ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો મજબૂત થશે.

ગુજરાતમાંથી છ લોકોને પદ્મ સન્માન, એકને પદ્મ ભૂષણ
ગુજરાતના જે છ લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં રઘુવીર ચૌધરી(સાહિત્ય અને શિક્ષણ), હરીશ નાયક (સાહિત્ય અને શિક્ષણ)- મરણોત્તર, ડૉ. યઝદી ઈટાલિયા(મેડિસિન), જગદીશ ત્રિવેદી(કલા) અને ડૉ. દયાલ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ મહાનુભાવોને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને ડો.તેજસ પટેલને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવશે. અમદાવાદના ડો.તેજસ પટેલ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર ડો. તેજસે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓ માટે 300 થી વધુ સંશોધન પર લેખો પણ લખ્યા છે. પટેલને કોરોનરી એન્જીયોગ્રાફી અને ટ્રાન્સરેડીયલ ટેકનિકમાં નિષ્ણાત માનવામાં આવે છે.

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર મેળવનાર આ ‘હીરો’ વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય !

સિકલ સેલની સારવારમાં મહત્વની ભૂમિકા
72 વર્ષીય ડૉ. ઇટાલીયા સિકલ સેલની સારવારમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે જાણીતા છે. માઇક્રોબાયોલોજિસ્ટ યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. તેમણે સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (SCACP)માં મહત્વની ભૂમિકા ભજવી છે. ICMR સાથે સહયોગમાં કામ કરી રહેલા ઇટાલિયાએ બે લાખ આદિવાસી લોકોનું પરીક્ષણ કર્યું છે. ગુજરાતમાં 95 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કુલ 132 લોકોને પદ્મ સન્માન; 9 હસ્તીઓનું મરણોત્તર સન્માન
ગુરુવારે મોડી સાંજે જાહેર થયેલા એવોર્ડમાં એવા 34 લોકોને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એનાયત કરાયેલા મહાનુભવો કેટલાક દર્દીઓને દાઝી જવા માટે મફત સારવાર આપવા માટે પ્રખ્યાત છે તો અન્ય હજારો કિલોમીટર સાયકલ ચલાવે છે. આખી યાદીમાં પાંચ એવી વ્યક્તિઓ છે જેમને દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. આ યાદી અનુસાર 17 લોકોને પદ્મ ભૂષણ આપવામાં આવશે, જ્યારે 110 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. વિજેતાઓમાં 30 મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 132માંથી 9 હસ્તીઓને મરણોત્તર પુરસ્કારો આપવામાં આવશે, જે તેમના પરિવારો દ્વારા આપવમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એક કાર્યક્રમમાં આ મહાનુભવોને સન્માનિત કરવામાં આવશે.