July 7, 2024

PPF અને NSC જેવા સેવિંગ ખાતામાં આધારકાર્ડ છે જરૂરી?

Small Saving Schemes: દેશના વિવિધ વિભાગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ઘણી નાની બચત યોજનાઓ એટલે કે નાના બચત ખાતાઓ ચલાવે છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને આ નાની બચત યોજના ખાતું ખોલાવી શકો છો, પરંતુ આ ખાતા ખોલતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું તમારે PPF, SSY, NSC એકાઉન્ટ ખોલતી વખતે આધાર કાર્ડની જરૂર પડશે. તો તેનો જવાબ હા છે. નવા નાના બચત ખાતા ખોલાવતી વખતે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

સરકારે જાહેરનામું બહાર પાડ્યું
નાણા મંત્રાલયે 3 એપ્રિલ, 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી હતી કે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડને નાના બચત ખાતા ખોલવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તો તમારે આધાર માટે અરજી કરતી વખતે મળેલી સ્લિપમાં ઉલ્લેખિત એનરોલમેન્ટ નંબર આપવો પડશે. એ બાદ ખાતું ખોલ્યા પછી તમારે છ મહિનાની અંદર આધાર નંબર આપવો પડશે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી

જો તમે ખાતું ખોલ્યા પછી છ મહિનાની અંદર આધાર નંબર દાખલ કરવામાં નિષ્ફળ રહેશો તો આવી સ્થિતિમાં તમારું નાની બચતનું ખાતું ફ્રીઝ થઈ જશે. આધાર નંબર દાખલ કર્યા પછી જ તે ફરીથી સક્રિય થશે.

PAN નંબર આપવો જરૂરી
આધારની જેમ નાની બચત યોજનાઓ માટે પાન કાર્ડ જરૂરી છે. જો તમારા ખાતામાં જમા રકમ 50,000 રૂપિયાથી વધુ છે તો આવી સ્થિતિમાં પાન કાર્ડ સબમિટ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત નાણાકીય વર્ષમાં ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવાના કિસ્સામાં PAN અને આધાર જરૂરી છે. આ સિવાય ખાતામાંથી એક સમયે 10,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડવામાં આવે તો પણ PAN અને આધારની જરૂર પડશે.