હત્યાના ગુનામાં ફરાર આરોપી 16 વર્ષ બાદ ઝડપાયો, PCB પોલીસે શૈલેન્દ્ર ઉર્ફે સાઇલેન્ટની કરી ધરપકડ

અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશનર સુરત)
અમિત રૂપાપરા સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવા એક ડ્રાઈવ યોજવામાં આવી છે અને આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે 16 વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણમાં થયેલી યુવકની હત્યાની ઘટનાના કેસમાં ભાગતા ફરતા આરોપીને PCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યાની ઘટના બાદ આરોપી પોતાનું નામ બદલીને દાઢી-વાળા વધારી સુરતમાં જ રહેતો હતો.
વર્ષ 2010માં સુરતના વરાછા વિસ્તારમાં મનોજ બર્મન નામનો યુવક બ્રાહ્મણ સમાજની યુવતીને લઈને ભાગી ગયો હતો અને આ વાત શૈલેન્દ્ર કુમાર અને ગુલાબ ઉર્ફે ગુડ્ડુને પસંદ ન હતી. કારણ કે મનોજ દલિત સમાજનો યુવક હતો અને યુવતી બ્રાહ્મણ સમાજની હતી. આ વાતની અદાવત રાખી ગુલાબ અને શૈલેન્દ્રએ યુવકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યાર બાદ શૈલેન્દ્રએ મનોજને પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ ગુલાબ સાથે મળી મનોજને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દીધી હતી.
આ હત્યાની ઘટનાની જાણ કોઈને ન થાય એટલા માટે મનોજના મૃતદેહને સચિન અને એકલેરા ગામ વચ્ચે આવતી નહેર નજીક એક ખાડામાં નાખી દીધી હતી અને ત્યાર બાદ લાશ મળી હોવાના કારણે સચિન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો અને પોલીસે હત્યાના ગુનામાં ગુલાબ નામના ઇસમની ધરપકડ કરી હતી. બીજી તરફ શૈલેન્દ્ર પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.
શૈલેન્દ્ર નામનો ઈસમ પોલીસની પકડમાં ન આવે એટલા માટે તેને પોતાનું નામ બદલી નાખ્યું હતું અને શૈલેન્દ્રમાંથી તે સાઇલેન્ટ નામ ધારણ કરીને પોતાનો વેશ બદલો કરી સુરતમાં જ રહેતો હતો. આરોપીને પોલીસ પકડી ન શકે એટલા માટે તેને દાઢી અને વાળ પણ વધારી નાખ્યા હતા અને બાતમીના આધારે સુરતની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસે શૈલેન્દ્ર ઉર્ફે પપ્પુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.