June 28, 2024

વસ્ત્રાપુરમાં બે વર્ષની બાળકીનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: બે વર્ષની બાળકીનું દુષ્કર્મના ઇરાદે અપહરણ કરનાર આરોપી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવથી આરોપીની ધરપકડ કરી છે. બાળકીના અપહરણ બાદ સ્ટ્રીટ ડોગ ભસતા હોવાથી આરોપી બાળકીને મૂકીને નાસી છૂટ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં આવેલા આરોપી વિજય મહાતોની અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નરાધમ આરોપીએ બે વર્ષની માસૂમ બાળકીનું દુષ્કર્મનાં ઇરાદે અપહરણ કર્યું હતું. સદનસીબે સ્ટ્રીટ ડોગ ભસતા જ આરોપી બાળકીને મૂકીને નાસી ગયો હતો. ઘટનાની વાત કરીએ તો 20મી જૂનની રાત્રિના સમયે વસ્ત્રાપુરના રામદેવપીર મંદિર પાસે ફૂટપાથ પર બે વર્ષની બાળકી તેની માતા સાથે સૂઈ રહેલી હતી. આ સમયે આરોપી વિજય ત્યાંથી પસાર થતા જ બાળકી પર નજર બગાડી અને તેનું અપહરણ કરીને વસ્ત્રાપુર તળાવ લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે તે પહેલા જ સ્ટ્રીટ ડોગ સતત ભસી રહ્યા હતા. જેને લઇ આરોપી વિજય બાળકીને મૂકી ભાગી ગયો હતો. બાદમાં વસ્ત્રાપુર તળાવના સિક્યુરિટી ગાર્ડની બાળકી પર નજર જતા બાળકીને પોલીસને સોંપી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા બાળકીનું અપહરણ કરનાર આરોપી ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: લૂંટેરી દુલ્હન નીકળી HIV પોઝિટિવ, મહિલા સાથે લગ્ન કરનારા 5 વરરાજા ટેન્શનમાં

બે વર્ષની બાળકીનું અપહરણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 36 કલાક સુધી તપાસ કરી હતી, જેમાં તમામ રૂટના સીસીટીવી ચેક કર્યા હતા પણ કોઈ પણ સીસીટીવીમાં ક્લિયર દેખાતું ન હતું. આરોપી વિજય ગુરુદ્વારાથી વસ્ત્રાપુર અવારનવાર જતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી વિજયની ઓળખ મેળવી બોડકદેવથી ધરપકડ કરી છે. આરોપી વિજય મૂળ બિહારનો વતની છે અને અમદાવાદના ગુરુદ્વારા નજીક એક વસાહતમાં રહે છે. અને ખાનગી હોટલમાં છૂટક મજૂરી કરે છે. આરોપી અપરણિત છે અને દુષ્કર્મના ઇરાદે તેનું અપહરણ કર્યું હોવાનું કબૂલાત કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલ આરોપી વિજય વિરુદ્ધ અન્ય કોઈ ગુના નોંધાયા છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે નરાધમ આરોપી વિજય અન્ય કોઈ બાળકીને તેનો શિકાર નથી બનાવ્યો જે દિશામાં તપાસ હાથ ધરી છે.