December 24, 2024

ઓનલાઈન ગેમની લતમાં મોબાઈલ શો રૂમનો મેનેજર બન્યો ચોર

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં ઓનલાઇન રમી ગેમની લતમાં યુવક ચોર બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલ ફોનના શો રૂમનો મેનેજર જ ચોર બની ગયો છે. ઓનલાઇન રમી ગેમની લતમાં આ આરોપી મોબાઇલ ફોનના શો રૂમમાંથી કિંમતી મોબાઇલની ચોરી કરતો હતો. પકડાયેલ આરોપીનું નામ જગદિશ ઉર્ફે જેડી ચૌહાણ અને રાજકુમાર નાયક છે. ઓરોપીએ ફોન શો રૂમમાંથી મોબાઈલની ચોરી કરીને રૂ 37.82 લાખની છેતરપિડી આચરી છે.

સીસીટીવી ફુટેજના આધારે સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી
ઘટના એવી છે કે એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલા મોબાઈલના એક શોરૂમમાંથી 26 ફોન અને રૂ 3.50 લાખ રોકડની ચોરી થઈ હતી. સીસીટીવી ફુટેજ ચેક કરતા સ્ટોર મેનેજર જગદીશ ચૌહાણની સંડોવણી ખુલતા સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી ગયો હતો. જેથી તેણે શોરૂમમાંથી છ માસ દરમિયાન મોબાઈલની ચોરી કરી હતી, જેમા મોબાઈલની કિંમત 21.89 લાખ અને વેચાણના વકરાની કિંમત 15.93 લાખ સહિત રૂ 37.82 લાખની ઉચાપત કરી હતી. સેટેલાઈટ પોલીસે ચોરી કેસમા રૂ એક લાખની રોકડ, બાઈક અને 9 મોબાઈલ સહિત રૂ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વકરામાંથી થોડા થોડા પૈસાની ચોરી કરતો હતો
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી જગદીશ ચૌહાણ છેલ્લા અઢી વર્ષથી મોબાઈલ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પણ અમદાવાદ નોકરી માટે આવ્યો હતો. આરોપી જગદીશ ઓનલાઈન રમી ગેમની લતમાં લાગ્યો અને દરરોજ મોબાઈલ શો રૂમના વકરામાંથી થોડા થોડા પૈસાની ચોરી કરતો હતો, આવી જ રીતે મોંઘા ફોન પણ ચોરી કરીને શો રૂમમાં નકલી બિલ મૂકીને કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરતો હતો. એટલું જ નહીં ઓડિટ સમયે પણ ખોટા બિલ બનાવી સિસ્ટમ રોકડ આંકડામાં છેડછાડ કરીને ખોટી એન્ટ્રી કરતો હતો. આરોપીએ ચોરી કરેલા મોબાઈલ ફોન બિલ વગર અનેક ગ્રાહકોને મોબાઈલ ફોન વેચી દીધા હતા તેમની પાસેથી 9 જેટલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે.

વધુમાં પીઆઇએ જણાવ્યું કે, સેટેલાઇટ પોલોસે મેનેજર જગદીશ ચૌહાણની સાથે મોબાઈલ ખરીદી કરનારા આરોપી રાજ કુમાર નાયકની પણ ધરપકડ કરી છે. આ બન્ને આરોપીના રિમાન્ડને લઈ કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી જગદીશ ચૌહાણ અગાઉ આ રીતે કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તેમજ મોબાઈલ ખરીદી કરનાર આરોપીએ કોઈ અન્ય ચોરીના મોબાઈલ ખરીદ્યા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.