April 1, 2025

મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં AFSPA 6 મહિના માટે લંબાવાયો, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

AFSPA: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ 13 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય, સમગ્ર મણિપુર રાજ્યમાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA) લાગુ કર્યો છે. આ સાથે અરુણાચલ પ્રદેશના તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને રાજ્યના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPAને આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં પણ AFSPAનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેને આઠ જિલ્લાઓ અને રાજ્યના અન્ય 5 જિલ્લાઓના 21 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ આગામી 6 મહિના માટે અસરકારક રહેશે.

ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું
કેન્દ્ર સરકારે મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી સશસ્ત્ર દળો (વિશેષ સત્તા) અધિનિયમ, 1958ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 5 જિલ્લાઓના 13 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો સિવાય સમગ્ર મણિપુરને 1 એપ્રિલ, 2025થી 6 મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કર્યો છે, સિવાય કે તેને અગાઉ પાછો ખેંચી લેવામાં આવે.

આ વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવશે નહીં
મણિપુરના તે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યો નથી. તેમાં ઇમ્ફાલ, લમ્ફાલ, સિટી, સિંગજામી, પટસોઇ, વાંગોઇ, પોરોમપટ, હિંગાંગ, ઇરિલબુંગ, થૌબલ, બિષ્ણુપુ, નામ્બોલ અને કાકચિંગનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રાલયે AFSPA અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
આ સાથે ગૃહ મંત્રાલયે નાગાલેન્ડના દિમાપુર, નિઉલેન્ડ, ચુમોઉકેડિમા, મોન, કિફિરે, નોકલાક, ફેક અને પેરેન જિલ્લામાં AFSPAની અવધિ લંબાવી છે. કોહિમા જિલ્લાના ખુઝામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, ઝુબ્ઝા અને કેઝોચા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો અને મોકોકચુંગ જિલ્લામાં માંગકોલેમ્બા, મોકોકચુંગ-1, લોંગથો, તુલી, લોંગચેમ અને અનાકી ‘સી’ પોલીસ સ્ટેશનોને પણ અશાંત જાહેર કરવામાં આવ્યા છે.