November 25, 2024

પૂણે, મુંબઈ બાદ હવે નાસિકમાં હિટ એન્ડ રન, કારચાલકે મહિલાને કચડી મારી

Hit And Run: મહારાષ્ટ્રના વર્લી હિટ એન્ડ રન કેસ હાલ રાજકારણથી લઈને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે મહારાષ્ટ્રથી વધુ એક હિટ એન્ડ રનની કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ અને પૂણે બાદ હવે નાસિક શહેરથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર દ્વારા રસ્તે ચાલતા જતી એક મહિલાને કચડી નાખવામાં આવી છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.

પોલીસ જણાવ્યું હતું કે 51 વર્ષીય કાર ચાલક મહિલાને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના સમયે તે નશામાં હતો.

મૃતક મહિલાની થઈ ઓળખ
ગંગાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આરોપીની ઓળખ ધ્રુવ નગરના રહેવાસી દેવચંદ રામભાઉ તિડમે તરીકે થઈ છે. તે અહીં સાતપુર MIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃતક મહિલાની ઓળખ હનુમાન નગરની રહેવાસી અર્ચના કિશોર શિંદે તરીકે થઈ છે. તે સાંજે લગભગ 6 વાગ્યે કામ પરથી ચાલતા ઘરે જઈ રહી હતી. ત્યારે જ ગંગાપુર રોડ પાસેના બારદાન ફાટા-શિવાજી નગર રોડ પર પાછળથી આવતી કારે તેને ટક્કર મારી હતી. અધિકારીએ જણાવ્યું કે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને નજીકના એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ રીતે બની સમગ્ર ઘટના
પોલીસ જણાવ્યું છે કે દુર્ઘટના પહેલા વિપરીત દિશામાંથી આવી રહેલા બે યુવકોએ પુરપાટ ઝડપે આવી રહેલી કારને મહિલા તરફ આવતા જોઈ અને તેમણે કાર ચાલકને સતર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કાર ચાલકે સ્પીડ ઓછી ન કરી અને કારચાલકે અર્ચના શિંદેને ટક્કર મારી દીધી. ટક્કર મારીને કારચાલક ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર એક શખ્સે કારનો નંબર લખી લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાદમાં પોલીસ કાર ચાલકના ઘરે પહોંચી અને તેની ધરપકડ કરી લીધી હતી. દુર્ઘટના સમયે તે પોતાના ઘરે જઈ રહ્યો હતો.