July 4, 2024

રાહુલ ગાંધીના દાવાઓને ખોટો ગણાવતો અગ્નિવીરનો પરિવાર, કહ્યું: 1 કરોડથી વધુ મળ્યા

Agniveer: લોકસભામાં અગ્નિવીરને લઈને રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થયો છે. દેશ માટે જીવનું બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારે કહ્યું છે કે તેમને સરકાર તરફથી 1.08 કરોડ રૂપિયાની મદદ મળી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કહ્યું હતું કે અગ્નિવીર યુઝ એન્ડ થ્રો લેબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરહદ પર જીવ ગુમાવનાર અગ્નિવીરોની સરકાર કોઈ જ ચિંતા નથી કરી રહી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે આ વાતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વાત સદંતર ખોટી છે.

અગ્નિવીરના પરિવારે જણાવ્યું સત્ય

અગ્નિવીર અક્ષસી ગાવતના પરિવારના લોકો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પીંપલગામ સરાયમાં રહે છે. અક્ષય ગાવત સિયાચિનમાં ડયુટી કરતાં કરતાં એક ઓકટોબર 2023ના રોજ શહીદ થયા હતા. સોમવારે મીડિયા સાથે વાત કરતાં અક્ષયના પિતા લક્ષ્મણ ગાવતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અક્ષયના મોત બાદ તેમના પરિવારને ઈન્સ્યોરન્સના 48 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે 50 લાખ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે અક્ષયની બહેન માટે સરકારની નોકરીની પણ માંગ કરી છે.

જૂન 2022માં થઈ હતી અગ્નિવીર યોજનાની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂન, 2022ના રોજ કરવામાં આવી હતી. આ યોજનામાં 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને માત્ર 4 વર્ષ માટે જ સેનામાં ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તેમાંના 25 ટકાને વધુ 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ હતી. બાદમાં સરકારે ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી.