May 30, 2024

રાજ શેખાવતની એરપોર્ટ પરથી અટકાયત, સાયબર ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને છેલ્લા 15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે ક્ષત્રિય સમાજે ગાંધીનગર કમલમ ખાતે ભેગા થઈને ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે કરણીસેના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યાંથી તેમની અટકાયત કરીને હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ શેખાવતે ગાંધીનગર કમલમને ઘેરાવો કરવાનું આહ્વાન કર્યું હતું. ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોને મોટી સંખ્યામાં ઝંડા અને દંડા સાથે કમલમ હાજર રહેવા માટે અપીલ કરી હતી. રાજ શેખાવત ગાંધીનગર કમલમ પહોંચે તે પહેલાં જ તેમને એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવી લીધા છે. કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોબા સર્કલથી જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું
ગાંધીનગરમાં આવેલું ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કરણીસેનાના રાજ શેખાવતે ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી. તેને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 1 DySP, 7 PI, 22 જેટલા PSIને તૈનાત કર્યા છે. આ ઉપરાંત 200થી વધુ પોલીસ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. VIP પ્રોટેક્શન ગ્રુપના 30થી વધુ પોલીસ કર્મી તૈનાત કર્યા છે. 18 પોલીસ વાન તેમજ 25 જેટલી ટીયરગેસની ગન સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કમલમ સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાને VIP ગેટથી એક્ઝિટ આપી
બીજી તરફ, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દક્ષિણ ભારતનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત પરત ફર્યા છે. ત્યારે તેમને ગુજસેલના VIP ગેટ પરથી એક્ઝિટ આપવામાં આવ્યું છે. તો ત્યારે જ કરણીસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને ત્યાં જ તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 2 હજાર ક્ષત્રાણીઓનો PM મોદીને પત્ર, લખ્યું – રૂપાલાની ટિકિટ રદ કરો

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.